Chardham Yatra: વૃદ્ધ ભક્તોની ઊંચાઈ, થાક અને ઓક્સિજનની અછતથી તબીયત લથડી; વહીવટીતંત્રે યાત્રાળુઓને સાવધાની રાખવાની અપીલ કરી
Chardham Yatra: વર્ષ 2025ની ચારધામ યાત્રા ભક્તિભાવ અને ઉમંગથી શરૂ થઈ છે, પરંતુ કેદારનાથ ધામ તરફ જતી પદયાત્રા દરમિયાન બે વૃદ્ધ શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. બંને યાત્રાળુઓએ શરીર પર થતી વધારે તકલીફ અને હૃદયસંબંધી સમસ્યાઓના લીધે યાત્રા દરમિયાન જ જીવ ગુમાવ્યો હોવાની આશંકા છે.
પ્રથમ ઘટના શુક્રવારે વહેલી સવારે ગૌરીકુંડ નજીક બની હતી, જ્યાં મહારાષ્ટ્રના ઔરંગાબાદના 66 વર્ષીય ગણેશ કુમાર ગુપ્તા પદયાત્રા દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તરત ગૌરીકુંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તેઓનું નિધન થયું હતું.
બીજી ઘટના થારુ કેમ્પ નજીક સવારે 11 વાગ્યે નોંધાઈ હતી. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના 61 વર્ષીય ઉમામહેશ્વર વેંકટ અવધાની તબિયત લથડી જવાથી મેડિકલ રિલીફ પોઈન્ટ ખાતે લઈ જવાયા હતા. ત્યાં પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
તંત્રની તાત્કાલિક કામગીરી અને ભવિષ્ય માટે ચેતવણી
દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ (DDRF) અને ટ્રાવેલ મેનેજમેન્ટ ફોર્સે ઝડપી કાર્યવાહી કરી હતી. તેમ છતાં, બંને યાત્રાળુઓના જીવ બચાવી શકાયા નહીં. મૃત્યુના કારણ તરીકે હાર્ટ એટેક, ઓક્સિજનની અછત અને શરીર પરનું ભારે દબાણ નોંધાયું છે.
શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્રની સલાહ
આ દુઃખદ ઘટનાઓના પગલે યાત્રા તંત્રએ યાત્રાળુઓને આગ્રહપૂર્વક સલાહ આપી છે કે તેઓ યાત્રા માટે નીકળતા પહેલાં તબીબી તપાસ અવશ્ય કરાવે. ખાસ કરીને વૃદ્ધો અને આરોગ્યપ્રદ હાલતમાં ના રહેનાર ભક્તોએ વધુ સાવધાની રાખવી જરૂરી છે. કેદારનાથની પદયાત્રા પહાડો, ઠંડી અને ઓછી ઓક્સિજનવાળા પરિસ્થિતિઓથી ભરેલી છે, જેથી હ્રદયની તકલીફ ધરાવતા લોકો માટે એ ખતરનાક બની શકે છે.