Pahalgam Terrorist Attack પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, પાકિસ્તાની અર્થવ્યવસ્થાને ભારે ફટકો
Pahalgam Terrorist Attack પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ મોટી આર્થિક કાર્યવાહી કરતા તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય શનિવારથી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સૂચનામાં જણાવાયું છે કે વિદેશ વેપાર નીતિ (FTP) 2023 હેઠળ નવો સુધારો કરીને પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની સીધી કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હેઠળ હવે કોઈપણ માલ ભારતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી જરૂરી રહેશે.
આ પગલાંના કારણે પાકિસ્તાની ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને મોટું આર્થિક નુકસાન થશે. ભારત પાકિસ્તાન માટે મોટો બજાર ગણાય છે, ખાસ કરીને કપાસ, ખાદ્ય પદાર્થો, દવાઓ અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનો માટે. પાકિસ્તાન પહેલેથી જ ફુગાવો, ઉંચા કરજ અને વધતી બેરોજગારી સામે સંઘર્ષ કરી રહ્યું છે, અને હવે આ પ્રતિબંધ તેને વધુ મુશ્કેલીઓમાં ધકેલી દેશે.
અર્થતંત્ર પર અસર:
આ નિર્ણયના કારણે પાકિસ્તાનની નિકાસમાં ઘટાડો થશે, તેમાં દૈનિક વપરાશની વસ્તુઓ જેવી કે મીઠું, તાંબુ, જીપ્સમ અને ફળોની જથ્થાબંધ સપ્લાઈ અટકી જશે. બીજી તરફ, ભારત માટે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને નીતિગત સ્પષ્ટતા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે ધ્યાન ખેંચી રહ્યું છે.
આ પગલું માત્ર એક આર્થિક પ્રતિબંધ નહીં પરંતુ પાકિસ્તાન માટે એક કડક સંદેશ પણ છે કે આતંકવાદી પ્રવૃત્તિઓના પરિણામો તાત્કાલિક અને ગંભીર હોઈ શકે છે. આ સાથે, ભારતના વ્યાપાર નીતિમાં રાષ્ટ્ર હિતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.