શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ‘EPFO’ એ તેના માન્ય દસ્તાવેજોની સૂચિમાંથી આધાર કાર્ડને બાકાત રાખ્યું છે. એટલે કે હવે EPF ખાતામાં જન્મ તારીખ અપડેટ કરવા માટે આધાર સ્વીકારવામાં આવશે નહીં. આ અંગે EPFO દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા 16 જાન્યુઆરી, 2024ના રોજ જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આધાર જારી કરતી સરકારી એજન્સી UIDAI તરફથી એક પત્ર મળ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જન્મતારીખના પ્રમાણપત્ર તરીકે સ્વીકૃત દસ્તાવેજોની યાદીમાંથી આધારને હટાવી દેવો જોઈએ. આ પછી, આધાર કાર્ડને EPFOના માન્ય દસ્તાવેજોની સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
કયા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવશે
EPFO અનુસાર, જન્મતારીખના પુરાવા તરીકે 10મા ધોરણના પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ માર્કશીટનો પણ ઉપયોગ કરી શકાય છે. જો જન્મતારીખના પુરાવા માટે કોઈ દસ્તાવેજ ન હોય તો, સભ્યની તબીબી તપાસ પછી સિવિલ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી પ્રમાણપત્ર પણ જન્મ તારીખ અપડેટ માટે આપી શકાય છે. આ ઉપરાંત પાસપોર્ટ, પાન નંબર, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને પેન્શન દસ્તાવેજને પણ માન્યતા આપવામાં આવી છે.