Rohit Arya Join BJP: અહો આશ્ચર્યમ: કોમેડિયન મુનવ્વર ફારુકીને જામીન ન આપનાર જજને નિવૃત્તિ બાદ ભાજપમાં હોદ્દો મળ્યો
Rohit Arya Join BJP મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિત આર્યને હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)માં એક મહત્વપૂર્ણ પદ મળ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. મધ્યપ્રદેશ ‘વન નેશન, વન ઈલેક્શન’ સમિતિમાં સંયોજક તરીકે તેમની નિમણૂકના સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં જસ્ટિસ આર્ય નિવૃત્ત થયા પછી આ નિમણૂક કરવામાં આવી હતી, અને માત્ર ત્રણ મહિના પછી ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માએ પુષ્યમિત્ર ભાર્ગવ સાથે મળીને તેમને આ જવાબદારી સોંપી છે.
મુનવ્વર ફારુકીને જામીન આપવાનો કર્યો હતો ઇનકાર
જસ્ટિસ આર્યનું નામ અનેક મોટા અને વિવાદાસ્પદ કેસોમાં સામે આવ્યું હતું. 2021 માં તેમણે કોમેડિયન મુનવ્વર ફારુકી અને નલિન યાદવને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેમના પર ઇન્દોરમાં નવા વર્ષના શો દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને COVID-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. તેમના ફેંસલાની હેડલાઈન્સ બની હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેમની સામેના પુરાવા દર્શાવે છે કે આરોપીઓએ જાણીજોઈને ભારતીય નાગરિકોના એક વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની ફરજ છે કે આવી નકારાત્મક શક્તિઓને સમાજમાં પ્રવેશતા અટકાવે
વિવાદાસ્પદ આપ્યા છે ચૂકાદાઓ
જસ્ટિસ આર્યના ન્યાયિક ફેંસલાઓની પણ ટીકા કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, 2020 માં એક કેસમાં, તેમણે આરોપીને એ શરતે જામીન આપ્યા કે તે ફરિયાદી સમક્ષ આવે અને રક્ષાબંધન પર રાખડી બાંધે. જો કે, આ ફેંસલાની આકરી ટીકા થઈ હતી અને બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને રદ કરવામાં આવ્યો હતો. બાદમાં સુપ્રીમે મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં જામીન આપવા અંગે નીચલી અદાલતોને માર્ગદર્શિકા જારી કરી હતી.