PM મોદીનું પૂરગ્રસ્ત પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત: રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 9 સપ્ટેમ્બર, 2025 ના રોજ, ભયંકર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્યોની મુલાકાત લેશે. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવાનો અને રાહત તથા પુનર્વસન કાર્યોની સમીક્ષા કરવાનો છે.
હિમાચલ પ્રદેશ: નુકસાનનું મૂલ્યાંકન અને બેઠક
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યા બાદ, વડાપ્રધાન મોદી બપોરે દિલ્હીથી રવાના થશે અને પઠાણકોટ એરબેઝ પહોંચશે. ત્યાંથી, તેઓ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા જશે. અહીં, તેઓ પૂર અને ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, તેઓ રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, વિરોધ પક્ષના નેતા જયરામ ઠાકુર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યમાં થયેલા નુકસાન અને રાહત કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. બેઠક બાદ, તેઓ ચંબા, મંડી અને કુલ્લુ જિલ્લાના આપત્તિગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
સુરક્ષા વ્યવસ્થા અને પ્રતિબંધો
વડાપ્રધાનની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 400 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે અને સમગ્ર વિસ્તાર પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન, કાંગડા જિલ્લો નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે હવાઈ ઉડાન અને પેરાગ્લાઈડિંગ જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
પંજાબ: હવાઈ સર્વેક્ષણ અને રાહત પેકેજની અપેક્ષા
હિમાચલ પ્રદેશ બાદ, વડાપ્રધાન મોદી પંજાબ પહોંચશે. તેઓ બપોરે લગભગ 3 વાગ્યે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ પછી, સાંજે લગભગ 4 વાગ્યે તેઓ ગુરદાસપુરમાં પહોંચશે, જ્યાં તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની ચર્ચા કરશે અને સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ NDRF, SDRF અને ડિઝાસ્ટર મિત્ર ટીમો સાથે પણ વાતચીત કરશે.
પંજાબ સરકારે વડાપ્રધાન મોદી પાસેથી 20 હજાર કરોડ રૂપિયાના વચગાળાના રાહત પેકેજની માંગ કરી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન ઉદારતાથી આ પેકેજની જાહેરાત કરશે. આ ઉપરાંત, સરકારે પંજાબના 60 હજાર કરોડ રૂપિયાના જૂના લેણાં પણ મુક્ત કરવાની માંગ કરી છે. શિરોમણી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ વડિંગે પણ રાહત પેકેજની માંગ કરી છે.