માતાના આરોગ્ય માટે શરૂ કરેલી ઝેરમુક્ત ખેતી હવે લાલજીભાઈ માટે બની વ્યવસાયિક સફળતાનો માર્ગ
મહેસાણાના હિંમતપુરા ગામના 26 વર્ષીય લાલજીભાઈ ચૌધરીના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની માતા ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાયરોઇડ જેવી બીમારીઓથી પીડાતા હતા. દર મહિને દવાઓ માટે 10 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો . આ આર્થિક દબાણ અને માતાના આરોગ્ય માટે ચિંતાએ તેમને 2018માં પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા.
તેણે ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ શિક્ષકો અને કૃષિ વિભાગના ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા મળેલી માહિતીથી પ્રેરાઈને ઝેરમુક્ત અને પોષણયુક્ત પાકો ઊગાડવાનું નક્કી કર્યું. તેમના આ નિર્ણયથી માત્ર માતાનું આરોગ્ય સુધર્યું નહીં પરંતુ ખેડૂત તરીકે તેમની નૈતિક અને આર્થિક સમૃદ્ધિ પણ વધતી ગઈ.
પ્રાકૃતિક પદ્ધતિથી ઉગે છે દેશી અને વિદેશી શાકભાજી
લાલજીભાઈ આજે ફક્ત ઘઉં કે મગફળી સુધી સીમિત નથી. તેઓ બ્રોકલી, પોકચોઈ, રોમાનેસ્કો, હળદર, આદુ, રતાળુ સહિત વિદેશી શાકભાજી પણ ઉગાડે છે. ઘઉં, બાજરી જેવા ધાન્ય પાકો પણ તેઓ સંપૂર્ણ રીતે રાસાયણિક ખાતર વગર ઉગાડે છે. તેમનું માનવું છે કે “જીવંત જમીનમાંથી જ આવે છે જીવંત ખોરાક” — અને એ માટે તેઓ વર્મીકમ્પોસ્ટ, જીવામૃત જેવા સ્વદેશી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
ઘરેથી ડિલિવરી સુધી પોતાની વ્યવસાયિક ઓળખ ઊભી કરી
શરૂઆતમાં તેમને બજારમાં પોતાની જગ્યા બનાવવા માટે હદથી વધુ મહેનત કરવી પડી. પરંતુ આજે તેઓ WhatsApp જૂથો દ્વારા દર શુક્રવારે શાકભાજીની સૂચિ મૂકે છે અને શનિવારે સતલાસણા તથા ગાંધીનગર સુધી ગ્રાહકોના ઘરે શાકભાજી પહોંચાડે છે. આ ઘરેલું વ્યવસાય મોડલ આજે અન્ય યુવાઓ માટે માર્ગદર્શક બની ગયું છે.
સરકારી યોજનાઓથી મળ્યો માર્ગ અને આધાર
લાલજીભાઈએ પોતાની સફળતાનું શ્રેય ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ, બાગાયત યોજના, પંપ અને તાડપત્રી સહાય, તેમજ બાયઓમંડપ જેવી વિવિધ સહાયો તરફ દોરી રહ્યું છે. તેઓ વર્ષમાં 4 વીઘા જમીનમાં 10 લાખ રૂપિયાની આવક કરે છે — જેમાંથી માત્ર વર્મીકમ્પોસ્ટમાંથી જ 4 થી 5 લાખની આવક મળે છે.
ખેતીનું ભવિષ્ય હવે શહેરીયુવાનોના હાથમાં
લાલજીભાઈની જેમ ઘણા યુવાન ખેડૂતોએ હવે કૌટુંબિક આરોગ્ય અને આત્મનિર્ભર જીવન માટે ખેતીને પસંદગી આપી છે. લાલજીભાઈ આજે ગુજરાતના પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને લોકલ સ્તરે મજબૂત બનાવે છે….