બારડોલીઃ મહિલાઓ અને યુવતીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બને છે જોકે, બારડોલીના કોસંબા ગામના એક દુષ્કર્મના આરોપીને સગીરા સાથે ચોથી વખત દુષ્કર્મ આચવા જતા મોત મળ્યું હતું. સગીરાએ બુમો પાડતા પરિવારે યુવકને પકડીને ઢોર માર માર્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે સગીરાના પરિવારના પિતા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે ગત 27 તારીખના રોજ નેશનલ હાઈવે નંબર-8 પર કઠવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સગીરાએ બુમાબુમ કરતા નજીક કામ કરી રહેલા સગીરાના પિતા બુમાબુમ સાંભળી રૂમ પર આવી પહોચ્યા હતા. અને હવસખોરને પકડી લીધો હતો. હવસખોર નજીકના કઠવાડા ગામનો કલ્પેશ ઉર્ફે લાલો દીપક વસાવા હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના બાદ સગીરાના પિતા તેમજ અન્ય 2 વ્યક્તિએ આરોપીને કોસંબા પોલીસને સોપ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને મારમાર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ અગાઉ ત્રણ વાર સગીરા સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યાની પણ કબૂલાત કરી હતી.
જોકે આરોપીની ફરિયાદને લઇ કોસંબા પોલીસ દ્વારા સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ એન.સી ફરિયાદ પણ દાખલ કરી હતી. આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ મોકલી આપ્યો હતો. પરંતુ લાજપોર જેલ ખાતે આરોપીની તબિયત લથડતા આરોપીને સુરત સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું.
દુષ્કર્મની કોશિશની ઘટના બાદ આરોપીને દોરડાથી બાંધેલા હોઈ એવા વીડિયો પણ વિસ્તારમાં સોસીયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જોકે મૃતક નો પી.એમ.રીપોર્ટ હાલ પેન્ડીંગ હોઈ રીપોર્ટ આવ્યા બાદજ આરોપીના સાચા મોતનું કારણ જાણી શકાય એમ છે. જેથી સુરત શહેરની સચિન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.