વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં નિરંતર કાર્યક્રમોમાં હાજરી આપ્યા દાંડી ખાતે મીઠા સત્યાગ્રહના સ્મારકનું લોકર્પણ કર્યું હતું.
સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચી, ત્યાં નજીકમાં આવેલા સૈફીવીલાની મુલાકાત લીધી. ત્યારબાદ પીએમ મોદીએ ‘દાંડી નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કરી અડધો કલાક સ્મારકની મુલાકાત લઈ સભાને સંબોધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી ખાતે સભા સંબોધતા કહ્યું કે, દાંડી ભારતની આઝાદીનું સાક્ષી રહ્યું છે. સત્યાગ્રહની આ ભૂમીને હું નમન કરૂ છું. ટુંક સમયમાં દાંડી દુનિયા માટે એક તીર્થધામ બની જશે, દેશ વિદેશના પર્યટકો અહીં આવી આઝાદીની લડાઈને માણી શકશે. દેશની આઝાદીમાં કરોડો લોકોએ પોતાની આહુતી આપી. પર્યટકો માટે અહીં 80 કરોડના ખર્ચે રહેવા, આવવાની સુવિધા વિકસાવવામાં આવશે. આ સ્મારક દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. ગાંધીના મીઠા સત્યાગ્રહને તે સમયે લોકો પાગલપન સમજતા હતા, અને નાનો સમજતા હતા, આજે પણ તેવી માનસિકતા આપણા ભારતમાં છે. આજે પણ નાની માનસિકતા ધરાવતા લોકો કહે છે કે, શૌચાલય બનાવવાથી દેશ સ્વચ્છ થઈ જશે, ગરીબોને ખાતુ ખોલાવી આપવાથી ગરીબી દુર થઈ જશે. ગેસનો બાટલો આપવાથી જીવન ધોરણ બદલાઈ જશે. પરંતુ આ લોકો નથી જાણતા કે નાની નાના ફેરફારથી દેશ સશક્ત થાય છે. જ્યારે ગાંધીજીએ નમક સત્યાગ્રહ, સ્વચ્છ અભિયાન, ચરખા અભિગમ ચલાવ્યું ત્યારે તેને નાનું સમજવામાં આવતું હતું.
વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, સ્વચ્છ ભારતનો મજાક ઉડાવવાનો મજાક કરનારને ગરીબની જિંદગીની કોઈ પડી નથી. આજે મહિલાઓ સન્માનથી રહી શકે છે. 3 લાખ લોકો ગંદકીથી બિમારીથી ઓછા થયા છે. જ્યારે સમાજ સકારાત્મક સાથે આગળ વધે છે, ત્યારે મોટા મોટા સંકલ્પ સિદ્ધ થાય છે. આજે 150મી ગાંધી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં 9 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. દેશમાં ઘરે ઘરે શૌચાલયનો આંકડો 38 ટકાથી 98 ટકા પહોંચી ગયો છે. શૌચાલય અભિયાન રંગ લાવ્યો છે. બાપુના નામે રાજનીતિ કરનારા સ્વચ્છતા વ્યવસ્થા કરવાથી હંમેશા દૂર રહ્યા.
વડાપ્રધાન મોદીએ બાપુને યાદ કરતા કહ્યું કે, ગાંધીજીએ હંમેશા કાદી પર ભાર મુક્યો પરંતુ આઝાદી બાદ સત્તા પક્ષ ભૂલી ગયો અમે ચાર વર્ષમાં ખાદીની તમામ સંસ્થાનું આધુનિકરણ કર્યું. આજે ખાદી દેશમાં તો પેશન બની ગઈ છે, પરંતુ વિદેશમાં પણ તેની વિશેષ ડિમાન્ડ વધી રહી છે. ખાદી હવે લોકો પહેરતા થયા છે, તેના ઝેકેટ, કોટી, ઝભ્ભા, લેંગા વગેરે ફેશનેબલ કપડા બની રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્રામીણ આર્થિક વિકાસ માટે સોલાર ચર્ખા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે એક વર્ષમાં એક લાખ યુવાનોને રોજગાર આપશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કેવી રીતે દેશમાં આવા ઐતિહાસિક સ્મારકથી પર્યટક ઉદ્યોગનો વિકાસ થાય છે અને રોજગારીના અવસર પેદા થાય છે. આ માટે તેમણે કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વસ્તુંનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, જે જગ્યા પર લોકો તો શું અધિકારીઓ પણ જતા ન હતા ત્યાં આજે લાખો લોકો આવે છે, જેને લઈ સિંગચણા, પાણી, બિસ્કિટ, ટેક્સીચાલક જેવા અનેક લોકો માટે રોજગારીના અવસર પેદા થયા છે. સાથે દેશના ઈતિહાસ, સંસ્કૃતિને લોકો વર્ષો વર્ષ સુધી યાદ રાખે, અને તેને સાચવવી તે પણ આપણી નૈતિક ફરજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સના ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ રામપુરા ખાતે વિનસ હોસ્પિટલના બિલ્ડીંગનું ઉદ્ધાટન તથા સભાને સંબોધિત કરી હતી.