યાદ નહીં, વિચાર કરો: AIના યુગમાં શિક્ષણ.
લેખકઃ ડોક્ટર હાર્દિક અમીન (શિક્ષણવિદ્ અને કેમિસ્ટ્રી નિષ્ણાત)
વિશ્વમાં ટેકનોલોજી જેટલી ઝડપથી બદલાઈ રહી છે, એટલી જ ઝડપથી શિક્ષણની રીતો અને મૂલ્યાંકન પદ્ધતિઓમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ચેટ જીપીટી જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીએ શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિ સર્જી છે. આવનારા સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું માળખું આજે જેવું છે, તેવું રહેશે જ નહીં — કારણ કે હવે “માત્ર યાદ શક્તિ” નહીં, પરંતુ વિચારશક્તિ, સમજ અને સર્જનાત્મકતાનું મૂલ્યાંકન વધુ મહત્વપૂર્ણ બનશે.

હાલની પરીક્ષાઓમાં મોટાભાગના પ્રશ્નો રટણ આધારિત હોય છે. પરંતુ ચેટ જીપીટી જેવા AI સાધનો વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નનો જવાબ તરત આપી શકે છે. આવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓ ફક્ત માહિતી યાદ રાખવા પર ભાર મુકશે તો તેમની વાસ્તવિક કૌશલ્ય ક્યારેય વિકસશે નહીં. તેથી શિક્ષણજગત હવે એવા પ્રશ્નો અને મૂલ્યાંકન પદ્ધતિઓ તરફ આગળ વધી રહ્યું છે, જે વિદ્યાર્થીઓની વિશ્લેષણ કરવાની ક્ષમતા, તર્કશક્તિ, નૈતિક વિચારસરણી અને ક્રિયાત્મક ઉપયોગને માપે.
આવનારા વર્ષોમાં બોર્ડ અને યુનિવર્સિટીઓમાં “ઓપન બુક પરીક્ષા”, “પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન”, “મૌખિક અને ઓનલાઈન ઇન્ટરવ્યુ”, “રીયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વિંગ” જેવી નવી પદ્ધતિઓનો સમાવેશ વધી શકે છે. આ ફેરફાર વિદ્યાર્થીઓને ફક્ત માર્ક્સ મેળવવા નહીં, પરંતુ જીવનમાં ઉપયોગી જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કરશે.
ચેટ જીપીટી જેવા સાધનોને ખતરાની રીતે નહીં જોવું જોઈએ; તે શિક્ષણમાં એક સહાયક તરીકે ઉપયોગી બની શકે છે. જો વિદ્યાર્થીઓ તેને યોગ્ય રીતે વાપરશે તો તે તેમના માટે માર્ગદર્શક, પ્રેક્ટિસ પાર્ટનર અને વિચારોને વિસ્તૃત કરનાર સાધન બની શકે છે.

અંતમાં કહી શકાય કે — ચેટ જીપીટીના યુગમાં શિક્ષણ હવે “યાદ કરવાની” નહીં પરંતુ “વિચાર કરવાની” દિશામાં આગળ વધી રહ્યું છે. આ પરિવર્તન સાથે આપણા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ પણ વિચારધારા બદલવાની જરૂર છે.
આ જ પરિવર્તન આવનારા ભારતના જ્ઞાનયુગની નવી ઓળખ બનશે.
