નેપાળમાં કાર્યકારી વડાપ્રધાનના નામ પર નવો વળાંક: સુશીલા કાર્કીને બદલે Gen-Z એ આ નેતાનું નામ આપ્યું
નેપાળમાં કાર્યકારી સરકાર માટે સુશીલા કાર્કીના નામની ચર્ચાઓ વચ્ચે હવે કુલ માન ઘીસિંગનું નામ સામે આવ્યું છે. પ્રદર્શનકારીઓએ તેમને દેશભક્ત અને જનતાના પ્રિય નેતા તરીકે ગણાવ્યા છે. કાઠમંડુના મેયર બાલેન શાહે પ્રસ્તાવ ઠુકરાવી દેતાં ઘીસિંગનું નામ મજબૂત થયું છે. ઘીસિંગને વીજળી સંકટનો ઉકેલ લાવવા માટે જાણીતા છે. તેઓ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં નવો જોશ લાવી શકે છે.
નેપાળમાં કાર્યકારી વડાપ્રધાન પદ માટે સુશીલા કાર્કીના નામની અટકળો વચ્ચે હવે એક નવો વળાંક આવ્યો છે. હવે એવી ખબર છે કે વીજળી સંકટનો ઉકેલ લાવનાર એન્જિનિયર કુલ માન ઘીસિંગને કાર્યકારી સરકારની કમાન સોંપવામાં આવી શકે છે. પ્રદર્શનકારીઓએ તેમને ‘દેશભક્ત અને સૌના પ્રિય’ ગણાવતા પસંદ કર્યા છે.
Gen-Z પ્રદર્શનકારીઓએ ગુરુવારે બપોરે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું કે, છ કલાકની વર્ચ્યુઅલ બેઠકમાં કાઠમંડુના મેયર બલેન્દ્ર ‘બાલેન’ શાહ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નામ પર પણ વિચાર થયો હતો. પરંતુ ઘીસિંગનું નામ સામે આવવું ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે.
પ્રદર્શનકારીઓમાં મતભેદ, બાલેને પ્રસ્તાવ ઠુકરાવ્યો
સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, પ્રદર્શનકારીઓએ પહેલાં કાઠમંડુના મેયર બાલેન શાહને કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પોતાની રેપરની છબી અને યુવાનોમાં લોકપ્રિયતાને કારણે બાલેન ‘Gen-Z’ની નજીક માનવામાં આવે છે. તેમણે સોશિયલ મીડિયા પર શાંતિની અપીલ પણ કરી હતી. પરંતુ બાલેને આ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો, ત્યારબાદ પ્રદર્શનકારીઓમાં મતભેદના સમાચાર પણ સામે આવ્યા.
આના પછી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવ્યું. પરંતુ કેટલાક પ્રદર્શનકારીઓએ તેમની ઉંમર (73 વર્ષ) અને બંધારણનો હવાલો આપીને તેનો વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે બંધારણ ભૂતપૂર્વ ન્યાયાધીશોને વડાપ્રધાન બનવાથી રોકે છે. આ ચર્ચાએ કુલ માન ઘીસિંગના નામને વધુ મજબૂતી આપી.
વીજળી સંકટના ‘મસીહા’ કહેવાય છે કે. એમ. ઘીસિંગ
કુલ માન ઘીસિંગ નેપાળમાં એક જાણીતું નામ છે. તેમણે નેપાળ વિદ્યુત પ્રાધિકરણના પ્રમુખ તરીકે દેશના વીજળી સંકટને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કાર્યક્ષમતા અને દેશભક્તિએ તેમને જનતાના પ્રિય બનાવ્યા. પ્રદર્શનકારીઓ તેમને એક એવી વ્યક્તિ તરીકે જુએ છે જે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં નવો જોશ લાવી શકે છે.
ઘીસિંગની પસંદગી એટલા માટે પણ મહત્વની છે કારણ કે તેઓ રાજકારણના જૂના ચહેરાઓથી અલગ છે. તેમની છબી એક ટેકનિકલ નિષ્ણાત અને સમસ્યાઓનો ઉકેલ લાવનાર વ્યક્તિની છે.