મુંબઈમાં મુસ્લિમો માટેની સોસાયટી પર NHRCની મહારાષ્ટ્ર સરકારને નોટિસ, ‘રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર’નો ઉઠ્યો સવાલ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કરજત વિસ્તારમાં ફક્ત મુસ્લિમો માટે પ્રસ્તાવિત સોસાયટીના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. NHRCના સભ્ય પ્રિયંક કાનુન્ગો એ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને સુઓ મોટો નોટિસ આપી છે. આ પ્રસ્તાવિત સોસાયટી સામે કેટલાક સ્થાનિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો.
‘રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર’નો સિદ્ધાંત:
પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું કે, “મહારાષ્ટ્રના કર્જત વિસ્તારમાં ફક્ત મુસ્લિમો માટે વસાહત બનાવવા અંગે સહ્યાદ્રી રાઇટ્સ ફોરમ NGO તરફથી ફરિયાદ મળી હતી. જો ભારતમાં, છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં મુસ્લિમોને હિન્દુઓ સાથે ન રહેવાનો ડરાવીને અલગ વસાહતો આપવામાં આવી રહી છે, તો આ સ્પષ્ટપણે ‘રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર’ ના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે. અમે આવું થવા દઈશું નહીં.”
તેમણે વધુમાં કહ્યું કે, “આજે તમે દાવો કરી રહ્યા છો કે તમને એવા ઘર જોઈએ છે જ્યાં ફક્ત મુસ્લિમો રહે છે. પછી તમે કહેશો કે તમને એવી શાળાઓ જોઈએ છે જ્યાં મુસ્લિમો અભ્યાસ કરે છે. પછી તમે ડૉક્ટરો, બસ ડ્રાઇવરો, ઓટો ડ્રાઇવરો, મુસ્લિમો માટે અલગ ટ્રેનોની માંગ કરશો. એક દિવસ ફરી તમે મહારાષ્ટ્રમાં મુસ્લિમો માટે અલગ રાજ્યની માંગ કરશો. અમે મુખ્ય સચિવને કહ્યું છે કે અમને એક રિપોર્ટ આપો કે આવી સમાજ બનાવવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી.”
#WATCH | Delhi: On Muslim-only township near Mumbai, Priyank Kanoongo, member of the National Human Rights Commission, says, "We received a complaint from the Sahyadri Rights Forum NGO that in Maharashtra's Karjat area, a township is being developed that is providing facilities… pic.twitter.com/R6ZjdYtCDL
— ANI (@ANI) September 5, 2025
રાજકીય વર્તુળોમાં ઉભા થયેલા સવાલો:
પ્રિયંક કાનુન્ગોના આ નિવેદન બાદ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ (BJP) મુસ્લિમોના મુદ્દા પર એકમત નથી? ઉલ્લેખનીય છે કે RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર, RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, “જ્યારથી ઇસ્લામ ભારતમાં આવ્યો છે, ઇસ્લામ અહીં છે અને અહીં રહેશે. જે વિચારે છે કે ઇસ્લામ રહેશે નહીં તે હિન્દુ નથી.”
જોકે, ભાજપના નેતા અને NHRC સભ્ય પ્રિયંક કાનુનગો ઘણા સમયથી મુસ્લિમો વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રની NDA સરકારને મુસ્લિમ સમુદાય માટે બનાવવામાં આવી રહેલી RERA મંજૂર સોસાયટી માટે નોટિસ ફટકારવી એ તેનું તાજેતરનું ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટમાં મદરેસા વિરુદ્ધની અરજી હોય કે મહારાષ્ટ્ર સરકારને મુસ્લિમો માટેની કોલોની વિરુદ્ધ નોટિસ મોકલવાની હોય, કાનુનગોએ RSS અને PM નરેન્દ્ર મોદીની લાઈનથી અલગ માર્ગ અપનાવ્યો હોવાનું જણાય છે. આ પરિસ્થિતિ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.