દૂધ, ચીઝ, બ્રેડ અને દવાઓ GSTમાંથી બહાર: સામાન્ય જનતાને મોટી રાહત
તાજેતરમાં મળેલી GST કાઉન્સિલની ૫૬મી બેઠક બાદ સરકારે સામાન્ય લોકો, નાના વેપારીઓ અને ખેડૂતોને મોટી રાહત આપતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે હવે GST સ્લેબની સંખ્યા ઘટાડીને માત્ર બે – ૫ ટકા અને ૧૮ ટકા – કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલીક આવશ્યક વસ્તુઓને સંપૂર્ણપણે કરમુક્ત (શૂન્ય GST) કરવામાં આવી છે. આ નિર્ણય દિવાળી પહેલા દેશની જનતા માટે મોટી ભેટ સમાન છે.
આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર થશે. ખાસ કરીને, ઘણી ખાદ્ય ચીજો પર હવે કોઈ ટેક્સ લાગશે નહીં. આમાં રેડી ટુ ઈટ રોટલી, પરાઠા, બધી પ્રકારની બ્રેડ, પિઝા, ચીઝ, યુએચટી દૂધ, અને છીણી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. અગાઉ આ વસ્તુઓ પર ૫ થી ૧૮ ટકા GST લાગતો હતો, પરંતુ હવે તે શૂન્ય થઈ ગયો છે.
સરકારે શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત આપી છે. પેન્સિલ, રબર, કટર, નોટબુક, ગ્લોબ, નકશો, પ્રેક્ટિસ બુક અને ગ્રાફ બુક જેવી શૈક્ષણિક વસ્તુઓને GSTના દાયરાની બહાર રાખવામાં આવી છે. આનાથી શિક્ષણનો ખર્ચ ઘટશે અને વિદ્યાર્થીઓને ફાયદો થશે.
આરોગ્ય ક્ષેત્રે પણ મોટો ફેરફાર આવ્યો છે. ૩૩ જેટલી જીવનરક્ષક દવાઓ પરનો ૧૨ ટકા GST સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોગ્ય અને જીવન વીમા નીતિઓને પણ GST માંથી મુક્તિ આપવામાં આવી છે, જે સામાન્ય નાગરિકો માટે આરોગ્ય ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
આ સિવાય, અનેક વસ્તુઓ પરનો GST દર ઘટાડવામાં આવ્યો છે. ટ્રેક્ટરના કેટલાક ભાગો પર GST ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે અને આખા ટ્રેક્ટર પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા થયો છે. ટૂથ પાઉડર, રસોડાના વાસણો, છત્રીઓ, સાયકલ, વાંસના ફર્નિચર અને કાંસકા જેવી વસ્તુઓ પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. જ્યારે શેમ્પૂ, ટેલ્કમ પાઉડર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ફેસ પાઉડર, સાબુ અને વાળના તેલ પરનો ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે. આ ફેરફારો ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને તેનો સીધો ફાયદો સામાન્ય જનતાને થશે.