2 ઓગસ્ટે સૂર્યગ્રહણ નહીં હોય! જાણો આગામી સૂર્યગ્રહણ ક્યારે દેખાશે?
સોશિયલ મીડિયા પર હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે 2 ઓગસ્ટ 2025ના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ વાત ઘણી જગ્યાએ વાયરલ થઈ હતી. અનેક લોકોએ આ સમાચારને સાચા માન્યા, પરંતુ નાસાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
નાસાના જણાવ્યા અનુસાર, 2 ઓગસ્ટે સૂર્યગ્રહણ થશે, પરંતુ 2025માં નહીં, પણ 2027માં. એટલે કે, વાયરલ થતી માહિતી ભ્રમજનક છે.
તો સૂર્યગ્રહણ શું છે?
સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને સૂર્યના પ્રકાશને અવરોધે છે. આ ઘટના માત્ર અમાવસ્યાના દિવસે જ શક્ય બને છે.
સૂર્યગ્રહણના પ્રકારો:
- પૂર્ણ સૂર્યગ્રહણ: જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે.
- વલયાકાર સૂર્યગ્રહણ: ચંદ્ર થોડો નાનો દેખાય અને સૂર્યની આસપાસ તેજસ્વી રીંગ જેવી રચના બને.
- આંશિક સૂર્યગ્રહણ: ચંદ્ર સૂર્યનો માત્ર ભાગ ઢાંકે છે.
- હાઇબ્રિડ સૂર્યગ્રહણ: કેટલાક સ્થળે તે પૂર્ણ તો કેટલાક સ્થળે વલયાકાર હોય છે.
શું 2025માં સૂર્યગ્રહણ થશે?
હા, 2025માં એક આંશિક સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થશે, પણ તે ભારતમાં જોવા નહીં મળે. તે ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને નજીકના સમુદ્ર વિસ્તારોમાં દેખાશે.
2026માં વધુ મહત્વના ગ્રહણો થવાના છે:
- 17 ફેબ્રુઆરી, 2026: વલયાકાર સૂર્યગ્રહણ
- 12 ઓગસ્ટ, 2026: પૂર્ણ સૂર્યગ્રહણ (યુરોપના કેટલાક ભાગોમાં દેખાશે)
તો 2 ઓગસ્ટ 2027ને શા માટે ખાસ ગણાય છે?
2 ઓગસ્ટ 2027ના રોજ એક અત્યંત ખાસ પૂર્ણ સૂર્યગ્રહણ થશે, જેને સદીનું સૌથી લાંલું ગ્રહણ પણ કહેવામાં આવે છે. તે અલ્જીરિયા, મોરોક્કો, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, યમન, સ્પેન વગેરે દેશોમાં જોઈ શકાશે. ઘણા દેશોમાં આંશિક ગ્રહણ પણ દેખાશે.
સૂર્યગ્રહણ જોતી વખતે શું સાવચેતી રાખવી?
- માત્ર પ્રમાણિત સૂર્યદૃશ્ય ચશ્માનો ઉપયોગ કરો.
- આંખે સીધો સૂર્ય ક્યારેય ન જુઓ.
- જ્યાં સૂર્ય સ્પષ્ટ રીતે દેખાય તેવા ખુલ્લા સ્થળો પસંદ કરો.
- સમય અને સ્થળની પૂર્વ જાણકારી રાખો.
સૂત્રો મુજબ, 2027નું ગ્રહણ વૈજ્ઞાનિકો માટે પણ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. જો તમે આ અનોખી ઘટના જોવા માંગતા હો, તો પહેલેથી જ તૈયારી શરૂ કરો!