નોબેલ વિજેતા મારિયા મચાડોએ ભારતની પ્રશંસા કરી, વેનેઝુએલામાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા PM મોદી પાસે કરી ખાસ માંગ
2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને વેનેઝુએલામાં લોકશાહીની પુનઃસ્થાપના માટે 20 વર્ષથી સંઘર્ષ કરી રહેલાં મારિયા કોરિના મચાડોએ ભારતને મહાન લોકશાહી અને વિશ્વ માટે આદર્શ ગણાવ્યું છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મચાડોએ કહ્યું કે ભારત વેનેઝુએલાનો મહત્વપૂર્ણ સાથી બની શકે છે અને લોકશાહીની પુનઃસ્થાપના પછી બંને દેશ અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી શકે છે.
મચાડોએ કહ્યું, “હું વડાપ્રધાન મોદી સાથે વાત કરવા માંગુ છું અને તેમને જલદી સ્વતંત્ર વેનેઝુએલામાં આમંત્રિત કરવા માંગુ છું.” તેમણે ભારતની લોકતાંત્રિક ભૂમિકાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે લોકશાહીને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. મચાડોએ મહાત્મા ગાંધીની અહિંસક લડાઈમાંથી પ્રેરણા લેવાની વાત કરી. તેમણે કહ્યું, “શાંતિ જાળવવી એ નબળાઈ નથી, ગાંધીએ આખી દુનિયાને આ બતાવ્યું છે.”

વેનેઝુએલાની 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પર શું કહ્યું?
તેમણે વેનેઝુએલાની 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિપક્ષે ભારે બહુમતીથી જીત હાંસલ કરી હતી, પરંતુ નિકોલસ માદુરોની સરકારે ચૂંટણી રદ્દ કરી દીધી. તેમણે જણાવ્યું કે તેમણે માદુરોને શાંતિપૂર્ણ રીતે સત્તા છોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ માદુરોએ ઇનકાર કરી દીધો અને દેશમાં સખત દમન શરૂ કરી દીધું.
મચાડોએ વ્યક્ત કરી આ અપેક્ષા
મચાડોએ કહ્યું કે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહીની પુનઃસ્થાપનામાં તેમના મુખ્ય સહયોગીઓમાંથી એક છે. તેમણે આશા વ્યક્ત કરી કે આંતરરાષ્ટ્રીય સમર્થનને કારણે માદુરો સમજશે કે હવે તેમનો સમય પૂરો થઈ ગયો છે અને તેમણે શાંતિથી સત્તા છોડવી પડશે. મચાડોએ ભારતને કહ્યું કે વેનેઝુએલામાં લોકશાહી પુનઃસ્થાપિત થયા પછી, ભારતની કંપનીઓ ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દૂરસંચાર ક્ષેત્રોમાં રોકાણ કરી શકે છે.

ભારત અને વેનેઝુએલાના સંબંધો માટે તકો
મચાડોએ ભારતને પણ લોકશાહી અને માનવાધિકાર માટે પોતાનો અવાજ ઉઠાવનારા દેશોમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે લોકશાહી પુનઃસ્થાપિત થયા પછી ભારતની કંપનીઓ ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દૂરસંચારના ક્ષેત્રોમાં રોકાણ કરી શકે છે. મચાડોએ એમ પણ કહ્યું કે ભારતની લોકતાંત્રિક તાકાત અને અનુભવ વેનેઝુએલાની લોકશાહીના પુનર્નિર્માણમાં માર્ગદર્શન આપી શકે છે.
મચાડોએ અંતમાં આ સંદેશ આપ્યો કે લોકશાહીને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ અને ભારત જેવા મોટા લોકતંત્રની જવાબદારી ખૂબ મોટી છે, કારણ કે આખી દુનિયા આવા ઉદાહરણોમાંથી શીખે છે.

