Non-Veg Milk ભારત-અમેરિકા વેપાર: મીઠો સાથ કે કડવો વિવાદ?
Non-Veg Milk ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $500 અબજ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પરંતુ આ દિશામાં આગળ વધતા તેમનાં માર્ગમાં સૌથી મોટો અડચણ બન્યો છે – ડેરી ઉત્પાદનોની આયાત. ખાસ કરીને “માંસાહારી દૂધ” વિષે ભારતના દૃઢ વલણને કારણે આ ચર્ચાઓ અટકી ગઈ છે.
શું છે “માંસાહારી દૂધ”?
ભારતને એવી ચિંતા છે કે અમેરિકા જેવી જગ્યા પરથી આયાત થતું દૂધ એવા ગાયો પાસેથી આવે છે કે જેને માંસ, લોહી, માછલી, ટેલો (પશુ ચરબી) જેવી પ્રાણી-આધારિત વસ્તુઓ ખવડાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અને ખાસ કરીને શાકાહારી સમુદાયોમાં, આવા ગાયના દૂધમાંથી બનતા ઉત્પાદનો – દૂધ, દહીં, માખણ – ધાર્મિક અને નૈતિક રીતે સ્વીકાર્ય નથી. તેથી, ભારત એવો પ્રમાણપત્ર માંગે છે જે ખાતરી આપે કે આ દૂધ “શુદ્ધ શાકાહારી” પદ્ધતિથી ઉત્પન્ન થયું છે.
ભારતની ચિંતા: ખેતીનો આધાર અને સંસ્કૃતિ
ભારત દુનિયાનો ટોચનો દૂધ ઉત્પાદક છે. દેશમાં 8 કરોડથી વધુ નાના અને મધ્યમ ડેરી ખેડૂત આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ડેરી ઉદ્યોગ માત્ર ખોરાક પૂરું પાડતો નથી, પરંતુ ગ્રામિણ અર્થતંત્ર માટે આધારસ્તંભ છે. ભારત માટે આ માત્ર વેપાર નહીં, પણ ખેતી, રોજગાર અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો મુદ્દો છે.
ભારતે દૂધ ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લગાવ્યા છે – દૂધ પાવડર પર 60%, માખણ પર 40% અને ચીઝ પર 30% – જેથી સ્થાનિક ઉત્પાદકોને સસ્તી વિદેશી સ્પર્ધાથી બચાવી શકાય.
અમેરિકાનો દાવો અને WTOનો રસ્તો
અમેરિકાએ ભારતના વલણને “અનાવશ્યક વેપાર અવરોધ” ગણાવ્યું છે અને આ મુદ્દો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) સુધી લઈ જવામાં આવ્યો છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત ડેરી આયાત માટેના નિયંત્રણો ઓછી કરે, ખાસ કરીને ડેરી પ્રમાણપત્રને લઈને.
અંતે શું?
ભારતના સ્ટેન્ડને ધ્યાનમાં લેતાં, ડેરી ખોલવાનું નિર્ણાયક મુદ્દો બની ગયું છે. એસબીઆઈના અંદાજ અનુસાર, જો યુએસ ડેરી આયાતને મંજૂરી મળે, તો ભારતીય અર્થતંત્રને વાર્ષિક ₹1.03 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે.
તેથી, જ્યારે વેપાર વિસ્તારવાનો દબાણ છે, ત્યારે સંસ્કૃતિ અને લોકોના જીવનધોરણનું રક્ષણ ભારત માટે વધુ મહત્વ ધરાવે છે.