બ્લડ ટેસ્ટનો ‘નોર્મલ’ રિપોર્ટ એટલે તમે સંપૂર્ણ સ્વસ્થ છો? જાણો કેમ લોહીની તપાસ પણ નથી પકડી શકતી છુપી બીમારીઓ
ઘણીવાર એવું બને છે કે આપણે રૂટિન ચેકઅપ કરાવીએ છીએ અને બ્લડ ટેસ્ટનો રિપોર્ટ ‘નોર્મલ’ આવે એટલે આપણે હાશકારો અનુભવીએ છીએ. આપણને લાગે છે કે શરીર અંદરથી એકદમ ફિટ છે. પરંતુ, શું તમે જાણો છો કે બ્લડ રિપોર્ટ નોર્મલ હોવા છતાં તમારા શરીરમાં કોઈ ગંભીર બીમારી વર્ષોથી ધીમે-ધીમે પગપેસારો કરી રહી હોય તેવું બની શકે છે? તબીબી નિષ્ણાતો કહે છે કે સામાન્ય ટેસ્ટ ઘણીવાર બીમારીના પ્રારંભિક લક્ષણોને પકડવામાં નિષ્ફળ જાય છે, કારણ કે શરૂઆતમાં ફેરફારો એટલા સૂક્ષ્મ હોય છે કે સામાન્ય લેબોરેટરી મશીનો તેની નોંધ લઈ શકતા નથી.
સામાન્ય ટેસ્ટની મર્યાદાઓ: કેમ રિપોર્ટમાં બધું સાફ નથી દેખાતું?
બ્લડ રિપોર્ટમાં ‘નોર્મલ’ આવવાનો અર્થ હંમેશા એવો નથી હોતો કે બધું જ બરાબર છે. તેનો અર્થ ઘણીવાર એવો થાય છે કે બીમારી હજુ તે લેવલ પર નથી પહોંચી જ્યાં સામાન્ય ટેસ્ટ તેને પકડી શકે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, CBC (કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ), ફાસ્ટિંગ ગ્લુકોઝ અને લિવર ફંક્શન ટેસ્ટ જેવા મૂળભૂત પેનલ અત્યંત જરૂરી છે, પરંતુ તે ત્યારે જ રિપોર્ટમાં ગરબડ બતાવે છે જ્યારે બીમારી શરીરમાં સ્થિર થઈ ગઈ હોય. આ ટેસ્ટ બીમારીના પ્રારંભિક બદલાવોને પકડવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા નથી.
શરૂઆતના તબક્કે બીમારી કેવા સંકેત આપે છે?
બીમારીની શરૂઆત બહુ જ શાંત હોય છે. શરૂઆતના તબક્કે શરીરમાં સોજો (Inflammation) થોડો વધી શકે છે અથવા સુગરનું લેવલ માત્ર જમ્યા પછી જ ઉપર-નીચે થઈ શકે છે. કોલેસ્ટ્રોલના કણોની માત્રા કદાચ ન વધે, પણ તેમની ક્વોલિટી બદલાઈ શકે છે. સ્ટાન્ડર્ડ બ્લડ ટેસ્ટ આ બારીક વિગતો પકડી શકતા નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના રિપોર્ટ મુજબ, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીઓ વર્ષો સુધી શરીરમાં ચુપચાપ વિકસતી રહે છે અને જ્યારે લક્ષણો દેખાવા લાગે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. ડૉક્ટરોનું કહેવું છે કે કેટલીક સ્થિતિઓ ઉતાર-ચઢાવ વાળી હોય છે, જેના કારણે તેનું ચોક્કસ નિદાન મુશ્કેલ બને છે.
માત્ર સામાન્ય તપાસ પૂરતી નથી, આ એડવાન્સ્ડ ટેસ્ટ છે જરૂરી
મેડિકલ સાયન્સમાં હવે બીમારીનું મોડેથી નિદાન કરવાને બદલે જોખમનું વહેલું નિદાન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો તમે ખરેખર ઊંડાણપૂર્વક સ્વાસ્થ્યની તપાસ કરવા માંગતા હોવ, તો નીચે મુજબના ટેસ્ટ ધ્યાનમાં લેવા જોઈએ:
હૃદયના સ્વાસ્થ્ય માટે (hs-CRP): આ ટેસ્ટ શરીરમાં નીચલા સ્તરના સોજાને માપે છે, જે હૃદય રોગના જોખમનો મોટો સંકેત છે.
લિપોપ્રોટીન(a) અથવા Lp(a): આ વંશપરંપરાગત હૃદય રોગના જોખમને દર્શાવે છે, જે સામાન્ય કોલેસ્ટ્રોલ ટેસ્ટમાં દેખાતું નથી.
HbA1c: સામાન્ય સુગર ટેસ્ટ માત્ર તે સમયનું લેવલ બતાવે છે, જ્યારે HbA1c છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ સુગર લેવલની માહિતી આપે છે.
OGTT (ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ): આ ટેસ્ટ એ બતાવે છે કે જમ્યા પછી તમારું શરીર સુગરને કેવી રીતે હેન્ડલ કરે છે.
તપાસ કરાવતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખો
કેન્સર જેવી જીવલેણ બીમારીઓના કિસ્સામાં, શરૂઆતી લક્ષણો લોહીમાં ક્યારેય દેખાતા નથી. આવી સ્થિતિમાં ‘લો ડોઝ સીટી સ્કેન’ જેવા એડવાન્સ્ડ સ્કેનિંગ ફેફસાંના કેન્સરને વહેલી તકે પકડી શકે છે.
ડૉક્ટરો સલાહ આપે છે કે:
ફેમિલી હિસ્ટ્રી: જો તમારા પરિવારમાં હૃદય રોગ કે ડાયાબિટીસનો ઈતિહાસ હોય, તો નાની ઉંમરથી જ એડવાન્સ્ડ તપાસ શરૂ કરવી જોઈએ.
લક્ષણોને અવગણશો નહીં: જો તમને કારણ વગર સતત થાક લાગતો હોય, તો માત્ર હિમોગ્લોબિન ચેક કરવાને બદલે ઊંડાણપૂર્વક મેટાબોલિક તપાસ કરાવો.
સમજદારીપૂર્વક તપાસ: હેલ્થકેરનું ભવિષ્ય વધુ તપાસ કરાવવામાં નથી, પણ ‘સમજદારીપૂર્વક’ સાચી તપાસ કરાવવામાં છે.

