પરમાણુ શક્તિની સાથે જૂના શસ્ત્રોને પણ અપગ્રેડ કરશે ઉત્તર કોરિયા: રિપોર્ટમાં ખુલાસો
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેમની સૈન્ય નીતિમાં મોટો ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે. એક રિપોર્ટ મુજબ કિમ હવે માત્ર પરમાણુ શસ્ત્રો પર જ નહીં પરંતુ જૂના પડી ગયેલા પરંપરાગત સૈન્ય સાધનોને પણ મજબૂત કરવાની દિશામાં પગલાં ભરી રહ્યા છે.
ઉત્તર કોરિયા એવા 9 દેશોમાં ગણાય છે જેમની પાસે પરમાણુ શસ્ત્રો છે. જોકે, પ્યોંગયાંગ પોતાના શસ્ત્રોની સાચી સંખ્યા ક્યારેય જાહેર કરતું નથી, પરંતુ ICAN (ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ) મુજબ, ઉત્તર કોરિયા પાસે 50 થી વધુ પરમાણુ શસ્ત્રો છે.
પરંતુ હવે તાનાશાહ કિમ જોંગ ઉને તેમની સૈન્ય નીતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ કિમ હવે માત્ર પરમાણુ બોમ્બ પર જ નહીં, પરંતુ કાટ લાગેલા પરંપરાગત શસ્ત્રોને પણ સુધારવાની તૈયારીમાં છે. આમાં ટેન્ક, રાઇફલ, એર-ડિફેન્સ સિસ્ટમથી લઈને નૌકાદળના જહાજો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.
કિમ સૈન્ય નીતિમાં ફેરફાર શા માટે કરવા માંગે છે?
ખરેખર, રશિયા-યુક્રેન યુદ્ધે કિમને સ્પષ્ટપણે શીખવ્યું છે કે યુદ્ધના મેદાનમાં માત્ર પરમાણુ શક્તિ પૂરતી નથી. પ્રથમ ટક્કર હંમેશા ટેન્ક, તોપ અને ડ્રોન જેવા પરંપરાગત શસ્ત્રોથી જ થાય છે. ઉત્તર કોરિયાની પરંપરાગત સેના દાયકાઓ જૂના સોવિયેત શસ્ત્રો પર આધારિત છે. પરંતુ રશિયાની મદદથી તેમાં ઝડપી સુધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વોલ સ્ટ્રીટ જર્નલ લખે છે કે કિમે તાજેતરમાં એક આર્મર્ડ વ્હીકલ સંસ્થાની મુલાકાત લીધી અને આવતા વર્ષે યોજાનારી વર્કર્સ પાર્ટીની બેઠકમાં પરમાણુ અને પરંપરાગત બંને સૈન્ય શક્તિઓને એકસાથે આગળ વધારવાની નીતિ અપનાવવાની જાહેરાત કરવાનો સંકેત આપ્યો.
રશિયા-યુક્રેન યુદ્ધમાંથી કઈ રીતે શીખ મળી?
રિપોર્ટ જણાવે છે કે ઉત્તર કોરિયાએ લગભગ 15,000 સૈનિકો રશિયાના કુર્સ્ક વિસ્તારમાં મોકલ્યા છે. અહીં તેમને યુદ્ધમાં એવા શસ્ત્રોની કમી અનુભવાઈ, જેનો વિકાસ દેશે વર્ષોથી અવગણ્યો હતો. આ જ કારણ છે કે હવે કિમ પરંપરાગત શસ્ત્રોને ઉન્નત બનાવવા પર ભાર મૂકી રહ્યા છે. તેના બદલામાં, ઉત્તર કોરિયાને રશિયા પાસેથી રોકડ, ટેકનોલોજી, ખાદ્ય સામગ્રી અને તેલ જેવી મદદ મળી રહી છે.
નૌકાદળ અને ડ્રોન પર ફોકસ
કિમ જોંગ ઉને તાજેતરના ભાષણોમાં નૌકાદળની શક્તિ વધારવા અને શસ્ત્રોની ગુણવત્તા સુધારવા પર ભાર મૂક્યો. તે જ રીતે, યુક્રેન યુદ્ધમાં જોવા મળેલા ડ્રોન હુમલાઓમાંથી બોધપાઠ લઈને કિમે ડ્રોન ટેકનોલોજી પર કામ ઝડપી કર્યું છે. તાજેતરમાં તેમણે નવા આત્મઘાતી અને સર્વેલન્સ ડ્રોનનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ક્ષમતાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. આ દિશામાં તેમને રશિયા પાસેથી ટેકનિકલ મદદ મળી રહી છે.
ઉત્તર કોરિયાની સૌથી મોટી નબળાઈ-એર ડિફેન્સ
ઉત્તર કોરિયાની સૌથી મોટી નબળાઈ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. પરંતુ હવે તેને રશિયા પાસેથી એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ અને અન્ય ઉપકરણો મળી રહ્યા છે. ગયા મહિને કિમે એર-ડિફેન્સ મિસાઈલનું પરીક્ષણ પણ જોયું, જોકે તેમાં રશિયન ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો કે કેમ, તે સ્પષ્ટ નથી.