હવે ભારતની ધરતી પર ગુંજશે વિદેશી લીગનો શોર! બિગ બેશ લીગ ચેન્નાઈમાં રમાવાની તૈયારીમાં?
ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને કોઈપણ ક્રિકેટ પ્રેમી ઉછળી પડશે. અત્યાર સુધી આપણે ભારતમાં માત્ર IPL નો જાદુ જોયો છે, પરંતુ હવે ટૂંક સમયમાં વિદેશી T20 લીગ પણ ભારતીય મેદાન પર રમાતી જોવા મળી શકે છે. જો બધું જ યોજના મુજબ ચાલ્યું, તો ઓસ્ટ્રેલિયાની સુપરહિટ ‘બિગ બેશ લીગ’ (BBL) ની આગામી સીઝનની એક મેચ ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાઈ શકે છે.
શું છે સમગ્ર પ્લાનિંગ?
તાજેતરમાં મળેલી માહિતી મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ભારતમાં BBL મેચ યોજવાની શક્યતાઓ ગંભીરતાથી તપાસી રહ્યું છે. આ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બિઝનેસ ઓપરેશન્સ હેડ ફિલ રિગ્બી અને સ્ટ્રેટેજી હેડ માર્ગોટ હાર્લીએ ભારતની મુલાકાત પણ લીધી હતી. આ અધિકારીઓએ ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાઓ અને લોજિસ્ટિક્સનું નિરીક્ષણ કર્યું છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ બાબતે પ્રાથમિક વાતચીત થઈ ચૂકી છે, જોકે અંતિમ નિર્ણય સંપૂર્ણપણે BCCI ના હાથમાં છે.
શા માટે ઓસ્ટ્રેલિયા ભારત આવવા માંગે છે?
આ આખી રમત પાછળ માત્ર ક્રિકેટ જ નહીં પણ મોટું બિઝનેસ ગણિત પણ છે. ભારત વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ માર્કેટ છે. અહેવાલો મુજબ, બિગ બેશ લીગની આઠમાંથી બે ફ્રેન્ચાઈઝી ટૂંક સમયમાં વેચાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો ઓસ્ટ્રેલિયા ભારત જેવા મોટા માર્કેટમાં પોતાની લીગની મેચ યોજે, તો તેમને મોટા રોકાણકારો અને સ્પોન્સર્સ મળવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
પર્થ સ્કોર્ચર્સનો જોવા મળી શકે છે જલવો
આ ઐતિહાસિક મેચ માટે પર્થ સ્કોર્ચર્સનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. પર્થ સ્કોર્ચર્સ BBL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે, જેમણે હાલમાં જ 2025-26 સીઝનમાં સિડની સિક્સર્સને હરાવીને તેમનું છઠ્ઠું ટાઈટલ જીત્યું છે. જો બધું બરાબર રહ્યું, તો ચેન્નાઈના ચાહકોને ધોનીના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન સ્ટાર્સનો પાવરફુલ પર્ફોર્મન્સ લાઈવ જોવાની તક મળશે.
ભલે હજુ સુધી કોઈ સત્તાવાર મહોર નથી લાગી, પરંતુ જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે તે જોતા લાગે છે કે ભારતીય ધરતી પર વિદેશી લીગનો આ નવો અધ્યાય ટૂંક સમયમાં જ શરૂ થશે.

