મહુઆ મોઇત્રાની ટિપ્પણી
પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ગૃહમંત્રી અમિત શાહ અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. 28 ઓગસ્ટ, 2025ના રોજ નાદિયા જિલ્લાના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR દાખલકરવામાં આવી છે. આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ (BJP) હિંસક અને નફરતથી ભરેલું ગણાવ્યું છે.
મહુઆ મોઇત્રાનું વિવાદાસ્પદ નિવેદન
નાદિયા જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મહુઆ મોઇત્રાને બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં, તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે સરહદોની સુરક્ષા ગૃહમંત્રીની જવાબદારી છે, અને જો તેઓ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય, તો તેમનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ.
તેમણે આરોપ લગાવ્યો કે સરહદો પરથી દરરોજ ઘૂસણખોરી થઈ રહી છે, જેના કારણે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસી રહ્યા છે અને પંજાબમાં ડ્રોન તથા ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને હિંસા વધી રહી છે.
પ્રતિક્રિયાઓ અને રાજકીય ટિપ્પાણીઓ
મહુઆ મોઇત્રાના આ નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપે આ નિવેદનને શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવીને મહુઆ મોઇત્રા અને TMCની “હિંસક માનસિકતા” પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
બીજી તરફ, TMCના પ્રવક્તા કુણાલ ઘોષે મહુઆ મોઇત્રાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ નિવેદન એક પ્રતીકાત્મક હતું અને તેનો કોઈ ભૌતિક અર્થ નહોતો. તેમણે ભાષાને થોડી જટિલ ગણાવી, પરંતુ કહ્યું કે તેનો હેતુ હિંસા ફેલાવવાનો નહોતો.
મહુઆ મોઇત્રાએ પણ ભાજપ પર નિશાન સાધતા સોશિયલ મીડિયા પર લખ્યું કે ભાજપના ટ્રોલ સેલ દ્વારા તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલો પશ્ચિમ બંગાળ અને કેન્દ્રના સંબંધોમાં વધુ તણાવ ઉમેરી રહ્યો છે.