‘ચર્ચા’ ન બની ‘વાસ્તવિકતા’: પાટીલ-દેસાઈનું પત્તું કપાયું, સુરતના રાજકારણીઓ સંગઠન તરફ વળ્યા
ભૂપેન્દ્ર પટેલ સરકરાના મં ત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ચોંકાવનારી રીતે સુરતનાં નેતા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદે પ્રમોશન આપવામાં આવ્યું છે અને ભાજપના કાર્યકરોએ હર્ષ સંઘવીની નિમણૂંકને ઉમળકાભેર વધાવી લીધી છે. ત્યારે સવાલનો સવાલ એ ઉભો થાય છે મંત્રીમંડળની પુન:રચનામાંથી મૂળ સુરતીઓની બાદબાકી કરવામાં આવી છે.
સુરતમાંથી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તે સારી વાત છે પરંતુ મૂળ સુરતીઓ તરીકે મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વનો અભાવ ચોક્કસપણે વર્તાશે. મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવાની સંભવિત ચર્ચામાં લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈનું નામ સતત ચર્ચામાં હતું પરંતુ ભાજપ મોવડી મંડળે બન્નેમાંથી એકને પણ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું નથી. જોકે, મૂળ સુરતી તરીકે અરવિંદ રાણા અને પૂર્ણેશ મોદી ઉપર પણ પસંદગી ઢોળવામાં આવી નથી ત્યારે મૂળ સુરતીઓમાં સ્વભાવિક રીતે નારાજગી જણાઈ આવી રહી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ગઈ ટર્મમાં રાજ્યકક્ષાના મંત્રી હતા પરંતુ વિવાદોના કારણે તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે પ્રફુલ પાનસેરિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
મંત્રીમંડળમાંથી મૂળ સુરતીઓની બાદબાકી થયા બાદ હવે નજર સીધી રીતે સંગઠનમાં થઈ રહેલી નવી નિમણૂંક પર છે. સંગઠનમાં મૂળ સુરતીઓને સ્થાન મળે છે કે કેમ તે જોવાનું રહે છે. આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્ય સહિત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ માટે મત્રીમંડળ સહિત સંગઠનનાં ફેરફારો મહત્વનાં પુરવાર થવાના છે.