Osam Parvat Beauty: પર્વત પર ખીલેલું કુદરતી સૌંદર્ય
Osam Parvat Beauty: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલું ઓસમ પર્વત હાલમાં ચોમાસાની ઋતુમાં મંત્રમુગ્ધ કરતું કુદરતી સૌંદર્ય બની ગયું છે. વરસાદ બાદ પર્વત પર આવેલા ધોધો, હરિયાળી અને ધર્મસ્થળોને નિહાળવા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
પાંડવ યુગીન ધર્મસ્થળ
આ પર્વત પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર મહાભારત કાળથી જોડાયેલું માનવામાં આવે છે. કહેવાય છે કે પાંડવોએ વનવાસ દરમિયાન અહીં વિશ્રામ લીધો હતો અને મંદિરની પાસે આજે પણ એક પાણી ભરેલો હોઝ છે, જ્યાં પર્વત પરથી સતત પાણી ટપકતું રહે છે.
ભીમની થાળી અને હાડફોડી ગામ
ઓસમ પર્વત ભીમના પ્રસંગો માટે પણ જાણીતો છે. અહીં ભીમની થાળી આવેલી છે, જે સમય જતા ઢળી ગઈ છે. એક લોકકથામાં કહેવામાં આવે છે કે પર્વત પર રહેતી હિડમ્બા સાથેના પ્રેમલાપ દરમ્યાન ભીમે તેને હિચકો નાંખ્યો અને હિડમ્બા નીચે તળેટી સુધી ઉછળી ગઈ હતી. જ્યાં તે પડી ત્યાં હવે “હાડફોડી” ગામ વસેલું છે.
જૈન અને હિન્દુ ધર્મના પવિત્ર તીર્થસ્થાન
પર્વત પર ચાર મુખ્ય મંદિરો આવેલ છે – શ્રી ટપકેશ્વર મહાદેવ, શ્રી ભીમનાથ મહાદેવ, શ્રી શાંતિનાથ ભગવાનનું જૈન દેરાસર અને શ્રી માત્રીમાતાજીનું મંદિર. દરેક મંદિરે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
ઓમ સમાન આકારથી ઓસમ નામ
આ પર્વતની શિલાઓ લીસ્સી અને સપાટ છે, જેને કારણે તેને મોટે ભાગે માખણિયા પર્વત પણ કહેવામાં આવે છે. વિહંગમ દૃષ્ટિએ જોવામાં આવે તો પર્વત ‘ૐ’ આકારમાં દેખાય છે. એથી જ તેનું નામ “ઓમ + સમ” જોડીને “ઓસમ” પડ્યું છે.
વાર્ષિક મેળા અને તહેવારોનું આકર્ષણ
શ્રાવણ વદી અમાસથી ત્રણ દિવસ સુધી અહીં લોકમેળો ભરાય છે. માત્રીમાતા અને અન્ય દેવસ્થાનોના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને ઓસમ પર્વત સુધી પહોંચે છે.
ચોમાસાના સમયમાં અહીંનાં દ્રશ્યો એવાં મંત્રમુગ્ધ કરી દેતા હોય છે કે લોકો કુદરતના ખોળે તાજગી અને શાંતિનો અનુભવ કરે છે. ઓસમ પર્વત જ એક સાથે પ્રકૃતિ, ધાર્મિક શ્રદ્ધા અને ઐતિહાસિક વારસાનો અનોખો મેળ છે.
ઓસમ પર્વત માત્ર ધોરાજીનું નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ છે. વરસાદી સિઝનમાં એના નજારાઓ, ધાર્મિક વાતાવરણ અને ઐતિહાસિક પ્રસંગોની યાદ સાથે પ્રવાસીઓને યાદગાર અનુભવ આપી જાય છે.