પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ: કોંગ્રેસની રેલીઓ ‘રાજકીય સ્ટંટ’ હોવાનો ભાજપનો દાવો
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. 14મી ઓગષ્ટે કોંગ્રેસની રેલીનાં અનુસંધાનમાં સોશિયલ મીડિયા સહિત અન્ય પ્લેટફોર્મ પર રેલીની સામે પોસ્ટર પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. આની સાથો સાથે વલસાડના સાંસદ ધવલ પટેલે પણ રેલીના અનુંસધાને આકરી પ્રતિક્રિયા આપી છે.
વલસાડના સાંસદ ધવલ પટેલે રેલીનાં અનુસંધાનમાં જણાવ્યું કે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ 2022માં રદ્દ કરવામાં આવ્યો છે અને આવો કોઈ પ્રોજેક્ટ અમલમાં નથી. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે રેલીના નામે ગતકડાં કરી રહી છે. આવો કોઈ પણ પ્રોજેક્ટ હોય તો સસદમાં મૂકવામાં આવે છે અને તેના પર ચર્ચા કરવામાં આવે છે. પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરવામાં આવે અને ત્યાર બાદ જ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટને લઈ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ યોજના તૈયાર કરવામાં આવી નથી કે કોઈ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી.
સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકી કહ્યું છે
કે સરકારે કોઈ બજેટ આપ્યું હોય તો બતાવવામાં આવે. કોઈ જાહેરાત કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તો કોંગ્રેસ જાહેર કરે. જૂના ડીપીઆર બતાવીને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ રહે. કોંગ્રેસ આદિવાસી સમાજને ગૂમરાહ કરવાનું બંધ કરે. ડેમ બચાવો સંઘર્ષ સમિતિના આગેવાનો સાથે સંપર્કમાં છીએ અને તેમને આ પ્રોજેક્ટ અંગે તમામ માહિતીથી માહિતગાર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે આ અગાઉ કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી દીધી છે, અને તેમણે કોંગ્રેસને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નોની ટીકા કરી કોંગ્રેસને લોકોને ગૂમરાહ કરવાનું બંધ કરવા જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ડાંગમાં આદિવાસી દિવસના દિવસે પાર-તાપી-નર્મદા લિંકનો મુદ્દો ઉઠાવ્યો છે અને 14 ઓગસ્ટના રોજ ધરમપુર ખાતે આંદોલનની જાહેરાત કરી છે.