વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં નવા નિયમો
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ ધામ, જ્યાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવે છે, ત્યાં હવે સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 10 ઓગસ્ટ, 2025 થી મંદિર પરિસરમાં તમામ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ પર કડક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રસાદ માટે વપરાતા પ્લાસ્ટિકના લોટા લઇ જવાની મનાઈ
આ નિર્ણયનો મુખ્ય હેતુ કાશીને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનો છે. આધ્યાત્મિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિરમાં હવે ભક્તોને તેમની પૂજા થાળીમાં ફેરફાર લાવવો પડશે. ખાસ કરીને, હવે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક સામગ્રી, જેમ કે પ્લાસ્ટિકના રેપર, કેરી બેગ, પોલીથીનમાં ભરેલા ફળો કે ફૂલો, તથા પ્રસાદ માટે વપરાતા પ્લાસ્ટિકના લોટા લઇ જવાની મનાઈ રહેશે.
તેમજ, મંદિર પરિસરમાં પ્લાસ્ટિકના કપ કે બોટલ પણ બંધ કરાયા છે. તેના બદલે ભક્તો કાગળ કે પર્યાવરણમૈત્રી વસ્તુઓનો ઉપયોગ કરી શકશે. આ અભિયાન માત્ર મંદિર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર વારાણસી શહેરમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.
દુકાનદાર પર રૂ. 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો
અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રી સાથે પકડાશે, તો તેને દંડ પણ ચૂકવવો પડશે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવેલી ચેકિંગ ઝુંબેશમાં એક દુકાન પરથી 700 કિલો કરતાં વધુ પોલીથીન ઝડપવામાં આવી હતી, અને આ બદલ દુકાનદાર પર રૂ. 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વભૂષણ મિશ્રાએ જણાવ્યું કે, ‘કાશી વિશ્વનાથ ધામ માત્ર એક આધ્યાત્મિક કેન્દ્ર નથી, તે સ્વચ્છતા અને પર્યાવરણીય સંરક્ષણનું એક મોડેલ પણ બની શકે છે. આને ધ્યાનમાં રાખીને, ધામને પ્રદૂષણ મુક્ત બનાવવા અને ભવિષ્યની પેઢીઓ માટે તેને સાચવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’
આ પગલાં ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત ધામની રચનાના દિશામાં મહત્વપૂર્ણ છે.