ઝીરો બેલેન્સ ખાતું ખોલાવવાની સરળ સુવિધા
દેશના દરેક નાગરિકને બેન્કિંગ સેવાઓથી જોડવાનો ધ્યેય લઈને શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના આજે પણ ઘણા નાગરિકો માટે ઉપયોગી બનતી જઈ રહી છે. જો આપ હજી સુધી આ યોજનાના લાભથી વંચિત છો, તો આજે જ આપના નજીકના બેંક મીત્ર કે ગામના VCE (ગ્રામ કોમ્પ્યુટર સાહસિક) સાથે સંપર્ક સાધીને ખાતું ખોલાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ હેઠળ દેશભરમાં ખાસ મુહિમ
કેન્દ્ર સરકારે 01 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે – જેને ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજના ઉપરાંત અન્ય વીમા અને પેન્શન યોજનાઓ – જેમ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, PM સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના –ની સેવાઓ લોકોને સીધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઝીરો બેલેન્સથી ખાતું અને અનેક લાભો
કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 10 વર્ષથી વધુ છે અને જેના પાસે હજી સુધી બેંક ખાતું નથી, તે ઝીરો બેલેન્સ સાથે ખાતું ખોલાવી શકે છે. તેમાં નીચેના ખાસ ફાયદાઓ આપવામાં આવે છે:
કોઈ લઘુતમ બેલેન્સની આવશ્યકતા નથી
RuPay ડેબિટ કાર્ડ આપવામાં આવે છે
કાર્ડના 90 દિવસમાં એકવાર ઉપયોગથી ₹2 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ
6 મહિના બાદ નિયમિત ટ્રાન્ઝેક્શન ધરાવતા ખાતેદારો માટે ₹10,000 સુધીનું ઓવરડ્રાફ્ટ
DBT (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર) મારફતે LPG સબસિડી, પેન્શન, મજદૂરી અને શિષ્યવૃત્તિ સીધા ખાતામાં
મોબાઈલ અને UPI આધારિત લેણદેણની સુવિધા
રાજ્યભરમાં વ્યાપક રૃપે અભિયાન ચાલી રહ્યું છે
ગુજરાતમાં અત્યાર સુધીમાં 1.94 કરોડથી વધુ PMJDY ખાતા ખોલવામાં આવ્યા છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જનતા સુધી બેંકિંગ અને સામાજિક સુરક્ષા સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ સરકાર દ્વારા સતત ચાલુ છે. 14,610 ગ્રામ પંચાયતો અને શહેરોની સ્થાનિક સંસ્થાઓમાં આ અભિયાન કાર્યરત છે, જ્યાં VCE કે બેંક મીત્ર દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવે છે.
વારસદાર નોંધણી અને ડિજિટલ ઠગાઈથી બચાવ અંગેની માહિતી પણ મળશે
આ અભિયાનમાં માત્ર ખાતું ખોલાવવાની જ નહીં, પણ અગાઉના ખાતાઓમાં KYC સુધારા, વારસદારોની નોંધણી, ડિજિટલ છેતરપિંડીથી બચાવ, અને દાવા વગરની થાપણ અંગેની માહિતી પણ આપવામાં આવી રહી છે.
ક્યાંથી મેળવી શકાશે વધુ માહિતી?
તમારું ખાતું હજી સુધી ખૂલ્યું નથી? તો આજે જ તમારું મૂળભૂત દસ્તાવેજો સાથે નજીકની બેંક શાખા, બેંક મીત્ર કે ગ્રામ સાહસિકનો સંપર્ક કરો. આ તમામ યોજનાઓનો લાભ નિ:શુલ્ક મળે છે અને તમારું નાણાંકીય ભવિષ્ય સુરક્ષિત બનાવે છે.