PM મોદીએ ઉત્તરપ્રદેશથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
5 Min Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય ૨૦માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી અને રજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સહિત રાજ્યભરના ૩ લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂતહિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે, એ વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે GYAN એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે દેશના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ આ યોજનાનો ૧૦૦ ટકા લાભ પહોંચી રહ્યો છે. એટલા માટે જ, આજે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

PM Kisan 20th Installment Release 2.jpg

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ૧૯ હપ્તામાં કુલ રૂ. ૩.૬૯ લાખ કરોડ જમા થયા છે. વડાપ્રધાનશ્રીના હસ્તે ૨૦માં હપ્તા હેઠળ દેશના ૯.૭૦ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૦,૫૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યાપક સુલભતા ઊભી થઈ છે. સાથે જ, કૃષિ વિભાગના બજેટમાં પણ પાંચ ગણી વૃદ્ધિ થઈ છે. ગત ૧૧ વર્ષમાં ૨૫ કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવા ઉપરાંત આધુનિક ખેતી અને કૃષિ યાંત્રિકીકરણને વેગ મળ્યો છે.

ખેડૂતો વતી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશમાં ઓછી ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જિલ્લામાં ઉત્પાદકતા વધારવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા નવી “પીએમ ધનધાન્ય કૃષિ યોજના”ને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના”ને વડાપ્રધાનશ્રીએ મંજૂરી આપી છે.

વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ જેવી પરંપરાગત પદ્ધતિઓને મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેક સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત ગુજરાતના હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી ખેડૂતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ હિતલક્ષી યોજનાના વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચૂકવાયેલા ૧૯ હપ્તા પેટે ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા કુલ રૂ. ૧૯,૯૯૩ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

PM Kisan 20th Installment Release 1.jpg

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહેલા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજ્યના ૭,૦૦૦થી વધુ સ્થળ ખાતેથી ૩ લાખથી વધુ ખેડૂતો નિહાળી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે વડાપ્રધાનશ્રીએ ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત પીએમ કિસાન સમ્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯થી અમલમાં મૂકી હતી. આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ કુલ રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વાવેતરથી લઈને વેચાણ સુધીના તમામ તબક્કે સહાયરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો મહત્તમ ખેડૂતો સુધી લાભ પહોંચાડવા બજેટમાં માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ નોંધાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમારોહમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગુજરાતના ખેતી નિયામકશ્રી સહિત કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.