પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ : ગુજરાતના લાખો ખેડૂતોને મળશે PM-KISAN યોજના અંતર્ગત સહાય
ગુજરાત રાજ્યના ખેડૂત પરિવારોએ ખેતી-કીસાનીમાં આત્મનિર્ભર બનવા માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજના હેઠળ સહાય પ્રાપ્ત કરી છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)” યોજના અંતર્ગત આવતીકાલે તા. ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ “પીએમ કિસાન ઉત્સવ દિવસ” રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે ઉજવવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં
રાજ્ય કક્ષાનો સમારોહ યોજાશે, જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભથી માહિતગાર કરવો અને તેમને સતત સહાય મળી રહે તેની ખાતરી કરવી છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશના ખેડૂતોને સંબોધશે અને “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ ૨૦મો હપ્તો રિલીઝ કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ૨૦મો હપ્તો અંતર્ગત દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૦,૫૦૦ કરોડથી વધુની સહાય મળી રહી છે. જ્યારે ગુજરાતના આશરે ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરાશે.
મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પીએમ કિસાનના લાભાર્થીઓ ઉપરાંત અન્ય કૃષિ અને સહાયક યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે. રાજ્યભરના દરેક જિલ્લામાં અને ગ્રામ પંચાયતોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન છે.
આ ઉત્સવમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપરાંત રાજ્યભરના આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પીએમ-કિસાન યોજના અંતર્ગત ભારતના ૧૧ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૩.૬૯ લાખ કરોડની સહાય મળી છે, જેમાંથી ગુજરાતના ખેડૂતોને ૧૯,૯૯૩ કરોડથી વધુની સહાય મળી ચૂકેલી છે.
આ કાર્યક્રમ ગુજરાતના ખેડૂતો માટે એક સન્માનજનક ક્ષણ છે અને કૃષિ વિકાસમાં શરૂઆતનો સંકેત આપે છે.