દેવમોગરા માતાજીની નગરીમાં વડાપ્રધાનનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક દિવસીય મુલાકાતે આજે ગુજરાત આવ્યા અને તેમના પ્રવાસની શરૂઆત સુરતથી થઈ હતી. ત્યાંથી તેઓ સીધા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે પહોંચી આરતી ઉતારી હતી. મંદિર ખાતેની આ ભક્તિભરી ક્ષણોમાં PM મોદીએ મંદિરમાં માથું ઝૂકાવી આશીર્વાદ લીધા હતા. બાદમાં તેઓ રોડ શો સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર તેમના સ્વાગત માટે ઉમટ્યાં હતાં. અહીં વડાપ્રધાને રૂ. 9,700 કરોડના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને પ્રદેશના વિકાસને નવી ગતિ આપી હતી.
આદિવાસી સમાજના યોગદાનને મોદીનું વંદન
સભામાં ભાષણ આપતી વખતે PM મોદીએ જણાવ્યુ હતું કે તેઓ 2003માં પણ દેવમોગરા માતાના દર્શન કરવા આવ્યા હતા અને ત્યારથી અહીં અત્યંત ઝડપથી વિકાસ થયો છે. તેઓએ યાદ કરાવ્યું કે 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને રાષ્ટ્રીય સ્તરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે જ્યારે દેશ મુશ્કેલીમાં આવ્યો છે, ત્યારે આદિવાસી ભાઈ-બહેનો હંમેશા સૌથી આગળ રહ્યાં છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નેતાઓએ કરેલો ત્યાગ, લોહી અને સંઘર્ષ આજે પણ રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે. આદિવાસી શૂરવીરોએ અંગ્રેજોને શાંતિથી બેસવા દીધા ન હતા અને આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું.

ટ્રાયબલ મ્યુઝિયમ અને જનજાતીય ગૌરવને રાષ્ટ્રીય ઓળખ
વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે સ્વતંત્રતા સંગ્રામના ઘણા પ્રસંગોમાં આદિવાસી સમાજની અદમ્ય હિંમત અને યોગદાન દબાઈ ગયાં હતાં, કારણ કે આઝાદી પછી માત્ર એક પરિવારની વાહવાહી ચાલતી રહી. 2014 પહેલાં બિરસા મુંડા જેવા મહાન આદિવાસી ક્રાંતિકારીઓ અંગે આટલી વ્યાપક જાણકારી નહોતી. નવા ભારત માટે આવનારી પેઢીઓને પ્રેરણા મળે તે માટે દેશભરમાં ઘણા ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે. નર્મદાની પવિત્ર ધરતી આજે વધુ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની છે, કારણ કે અહીં જ 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ હતી. ભારત પર્વ જેવી ઉજવણી દેશની એકતા અને વિવિધતાને વધુ મજબૂત બનાવે છે અને આજે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ પર આ ઉજવણી પૂર્ણ બની છે.

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, રમતગમત અને કલ્યાણનો વિકાસ
PM મોદીએ ગર્વભેર જણાવ્યું કે તેઓ પહેલા પ્રધાનમંત્રી છે જેણે ભગવાન બિરસા મુંડાના વતનની મુલાકાત લીધી છે અને ત્યાંની પવિત્ર માટીને માથા પર ધારણ કરીને આદિવાસી કલ્યાણનો સંકલ્પ લીધો હતો. તેઓએ યાદ કરાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે તેમણે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી, જેના કારણે આદિવાસી વિસ્તારોમાં 10,000 કરતાં વધુ શાળાઓ ઉભી થઈ અને આજે બે ડઝન જેટલી કોલેજો કાર્યરત છે. રમતગમતમાં પણ આદિવાસી યુવાનોની સિદ્ધિઓ પ્રશંસનીય છે, તાજેતરમાં મહિલા વર્લ્ડ કપ જીતનારી ટીમમાં પણ એક આદિવાસી ખેલાડીએ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આજે દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી સમાજમાંથી આવે છે અને NDA સરકાર હંમેશા જનજાતિ નેતાઓને રાષ્ટ્રીય પદો પર સ્થાન આપતી રહી છે, જેમાં મુખ્યમંત્રી, સ્પીકર અને રાજ્યપાલના પદો પણ સામેલ છે.

