ટ્રમ્પે મોદીને ગણાવ્યા મહાન મિત્ર: કહ્યું- “હું પીએમનો બહુ મોટો ફેન, ભારત અમેરિકા પર ૧૦૦% ભરોસો રાખી શકે છે”
વૈશ્વિક રાજનીતિ અને ભારત-અમેરિકાના સંબંધોમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મહાન મિત્ર ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ મોદીના બહુ મોટા ફેન છે. એટલું જ નહીં, વૈશ્વિક મંચ પરથી ભારતીયોને ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે ભારત હવે અમેરિકા પર ૧૦૦ ટકા વિશ્વાસ રાખી શકે છે.
અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરને ફોન કરીને ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. આ ઓડિયો સંબોધનમાં ટ્રમ્પનો ભારત પ્રત્યેનો પ્રેમ અને પીએમ મોદી સાથેની તેમની નિકટતા સ્પષ્ટપણે જોવા મળી હતી.
“મને ભારત અને પીએમ મોદી સાથે પ્રેમ છે”
પોતાના ફોન કોલ દરમિયાન ટ્રમ્પે ભાવુક અને મજબૂત શબ્દોમાં ભારત પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રાજદૂત સર્જિયો ગોરને સંબોધતા કહ્યું, “મને ભારત સાથે પ્રેમ છે. એમ્બેસેડર ગોર, તમારે અમારા દેશના પ્રતિનિધિ તરીકે ત્યાં ખૂબ જ સરસ સ્પીચ આપવી પડશે. હું ત્યાં હાજર તમામ લોકોને ગુડ ઇવનિંગ કહેવા માંગુ છું. મને ભારતના વડાપ્રધાન સાથે પ્રેમ છે. પીએમ મોદી મહાન વ્યક્તિ છે અને તે મારા પાકા મિત્ર છે. મારી તરફથી મોદીને હેલો કહેજો, હું તેમનો ખૂબ મોટો પ્રશંસક છું.”
ટ્રમ્પે આગળ વાત વધારતા કહ્યું કે, ઇતિહાસમાં ક્યારેય પણ ભારત અને અમેરિકા આટલા નજીક આવ્યા નથી જેટલા આજે છે. ભારત અને પીએમ મોદી ગમે ત્યારે મુશ્કેલીના સમયે અમેરિકા પર પૂરેપૂરો ભરોસો મૂકી શકે છે. જો ભારતને ક્યારેય પણ કોઈ મદદની જરૂર પડશે, તો તેમને ખબર છે કે ક્યાં ફોન કરવાનો છે, તેઓ સીધો અહીં જ ફોન કરે છે.
ટ્રમ્પની આ ખુલ્લી પ્રશંસાના કૂટનીતિક માયને
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ (વ્યાપાર કરાર) અને કસ્ટમ ડ્યુટી (ટેરિફ) ને લઈને સઘન ચર્ચાઓ ચાલી રહી છે. કૂટનીતિના નિષ્ણાતો માને છે કે ભલે બંને દેશો વચ્ચે વ્યાપારિક મુદ્દે થોડો તણાવ હોય, પરંતુ ક્વાડ (QUAD), ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા, સંરક્ષણ અને આધુનિક ટેક્નોલોજી જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર બંને દેશોનું એકસાથે હોવું ખૂબ જ જરૂરી છે. ટ્રમ્પનું આ નિવેદન બંને દેશો વચ્ચે અરસપરસનો વિશ્વાસ વધારનારું સાબિત થશે.
તાજેતરના મહિનાઓમાં અમેરિકાએ કેટલાક ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા હોવા છતાં, ડિફેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને એનર્જી સેક્ટરમાં સહયોગ વધારવાના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં જ અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફને ઘટાડીને ૧૮% કરી દીધો હતો, જે આ નિકટતાનો પુરાવો છે.
વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪: મોદીની પ્રશંસાનો સિલસિલો
ડોનાલ્ડ ટ્રમ્પ માટે પીએમ મોદીની પ્રશંસા કરવી એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ તેઓ ઘણી વખત જાહેરમાં મોદીના ગુણગાન ગાઈ ચૂક્યા છે:
સપ્ટેમ્બર ૨૦૧૯: અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા ઐતિહાસિક ‘હાઉડી મોદી’ (Howdy Modi) કાર્યક્રમમાં ટ્રમ્પે મોદીને ભારતના સૌથી સન્માનિત અને મજબૂત નેતાઓમાંના એક ગણાવ્યા હતા.
ફેબ્રુઆરી ૨૦૨૦: અમદાવાદમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ (Nameste Trump) કાર્યક્રમમાં તેમણે પીએમ મોદીને એક ખડતલ વાર્તાકાર (Tough Negotiator) અને અસાધારણ નેતા તરીકે નવાજ્યા હતા.
વર્ષ ૨૦૨૪: અમેરિકી ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે વારંવાર મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવી ભારત સાથેના સંબંધો સુધારવાની વકીલાત કરી હતી.
છેલ્લા ૨ વર્ષમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે ૧૧ ઐતિહાસિક ફોન કોલ્સ
ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચેની મિત્રતા માત્ર ભાષણો પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા બે વર્ષમાં બંને નેતાઓએ મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ૧૧ વખત ફોન પર વિગતવાર ચર્ચા કરી છે:
૧. જાન્યુઆરી ૨૦૨૫: ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પીએમ મોદીને અભિનંદન આપવા ફોન કર્યો અને ક્વાડ તેમજ વ્યાપાર સંતુલન પર ચર્ચા કરી.
૨. ફેબ્રુઆરી ૨૦૨5: પીએમ મોદીની અમેરિકા યાત્રા પહેલા વ્યાપાર, AI અને સંરક્ષણ ક્ષેત્રના રોડમેપ અંગે વાતચીત થઈ.
૩. એપ્રિલ ૨૦૨૫: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ટ્રમ્પે મોદીને ફોન કરી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામે ભારતને સાથ આપવાની ખાતરી આપી.
૪. ૧૭ જૂન ૨૦2૫: ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત-પાકિસ્તાન તણાવ, જી-૭ બેઠક તેમજ ઈરાન-ઈઝરાયેલ સંકટ પર ૩૫ મિનિટ સુધી લાંબી ચર્ચા થઈ.
૫. સપ્ટેમ્બર ૨૦૨૫: ૧૭ સપ્ટેમ્બરે ટ્રમ્પે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપવા ફોન કર્યો હતો.
૬. ઓક્ટોબર ૨0૨૫: દિવાળીના પાવન પર્વ પર બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને લોકશાહીના મૂલ્યો પર ચર્ચા કરી.
૭. ઓક્ટોબર ૨૦૨૫ (વિવાદ): રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડવા અંગે ટ્રમ્પના એક દાવા પર ચર્ચા થઈ, જો કે ભારતે બાદમાં આવી કોઈ વાત થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
૮. ડિસેમ્બર ૨૦૨૫: ટેરિફ વિવાદ અને વ્યાપાર કરાર અંગે બંને નેતાઓ વચ્ચે ગંભીર મંત્રણા થઈ.
૯. ફેબ્રુઆરી ૨૦૨૬: અમેરિકાએ ભારતીય સામાન પરનો ટેરિફ ૨૫% થી ઘટાડીને ૧૮% કર્યો તે અંગે આભાર અને વ્યાપારિક ડીલ પર ચર્ચા થઈ.
૧૦. માર્ચ ૨૦૨૬: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગને સુરક્ષિત રાખવા અંગે વાતચીત થઈ.
૧૧. એપ્રિલ ૨૦૨૬: બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દાઓ પર છેલ્લી મહત્વની વાતચીત થઈ.
અમેરિકી રાજદૂત અને વિદેશ મંત્રીના હકારાત્મક સંકેતો
દિલ્હીમાં હાજર અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે પણ તેમની સાથે વાત કરે છે, ત્યારે પીએમ મોદીની તબિયત અને તેમના વિશે ચોક્કસ પૂછે છે. તેમણે માહિતી આપી કે નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે આ વર્ષે અમેરિકામાં ૨૦.૫ અબજ ડોલરનું રોકાણ લાવવામાં મોટી મદદ કરી છે અને બંને દેશો વચ્ચે વ્યાપાર રેકોર્ડ સ્તરે છે.
“I am a BIG BIG FAN of Prime Minister Modi” – US President Donald Trump announces publicly on Phone. pic.twitter.com/pvgCwzUAJD
— Sushant Sinha (@SushantBSinha) May 24, 2026
બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ ભારતની મુલાકાતે છે. ટ્રમ્પે રૂબિયોને અમેરિકાના ઇતિહાસના સૌથી મહાન વિદેશ મંત્રી ગણાવ્યા છે. રૂબિયોએ દિલ્હીમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોની ગતિ જરાય ધીમી પડી નથી અને ટૂંક સમયમાં જ એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે.
એસ. જયશંકરનું નિવેદન: સંબંધો નવી દિશામાં
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ભાગીદારી અંગે સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે બંને દેશોના સંબંધોને એક નવી ઊંચાઈ અને દિશા આપી છે. આજે સ્પેસ, ડિફેન્સ, AI અને એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણો સહયોગ અભૂતપૂર્વ છે. આતંકવાદના મુદ્દે ભારત અને અમેરિકા ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ પર સાથે મળીને કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, માર્કો રૂબિયો ૨૬ મેના રોજ યોજાનારી ક્વાડ (QUAD) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેવાના છે, જ્યાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં ભારત-અમેરિકાની દોસ્તી દુનિયાના સમીકરણો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

