જાપાનમાં PM મોદીનું નિવેદન: ‘ભારત-ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, અમેરિકા અને વૈશ્વિક સમુદાયને આપ્યો મોટો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રવાસ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં ભારત-ચીન સંબંધો, વૈશ્વિક આર્થિક સ્થિરતા, યુક્રેન સંકટ, હિંદ-પ્રશાંત ક્ષેત્ર અને ગ્લોબલ સાઉથ સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓનું સાથે મળીને કામ કરવું આજની જરૂરિયાત છે, જેથી વૈશ્વિક આર્થિક અસ્થિરતાને રોકી શકાય.
ભારત-ચીનના સહયોગ પર PM મોદીનો ભાર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને ચીન, બંને એશિયાના સૌથી મોટા અને પ્રભાવશાળી દેશો છે, અને તેમના વચ્ચે સ્થિર, મૈત્રીપૂર્ણ અને અનુમાનિત સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે જરૂરી છે. તેમણે માહિતી આપી કે તેઓ શી જિનપિંગના આમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા તિયાનજિન જશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત, ચીન સાથે વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે — આ સંબંધો પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર આધારિત હોવા જોઈએ.
વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા માટે ભારત-ચીનનું જોડાણ
મોદીએ કહ્યું કે આજની અસ્થિર વૈશ્વિક અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે ભારત અને ચીન જેવા દેશોનું એકસાથે કામ કરવું જરૂરી છે. આ માત્ર એશિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક રહેશે.
હિંદ-પ્રશાંત પર ભારત-જાપાનની ભાગીદારી
પીએમ મોદીએ જાપાનની ‘ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક’ નીતિને સમર્થન આપતા કહ્યું કે તે ભારતની ‘વિઝન મહાસાગર’ અને ‘ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટિવ’ જેવી પહેલો સાથે સંપૂર્ણ સુમેળમાં છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને જાપાન બંને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે અને સ્થિર હિંદ-પ્રશાંત ક્ષેત્રના પક્ષધર છે.
રશિયા-યુક્રેન સંઘર્ષ પર ભારતનું વલણ
વડાપ્રધાને જણાવ્યું કે તેમણે તાજેતરમાં રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી છે અને હંમેશા ભારતનું સંતુલિત, માનવીય અને રાજદ્વારી વલણ રજૂ કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત શાંતિના કોઈપણ પ્રયાસમાં સહકાર આપવા તૈયાર છે.
‘ગ્લોબલ સાઉથ’નો અવાજ બન્યું ભારત
મોદીએ કહ્યું કે આજે પણ ગ્લોબલ સાઉથ — એટલે કે વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ — આબોહવા પરિવર્તન, નાણાકીય સંકટ, દેવું, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. ભારતે હંમેશા તેમની સમસ્યાઓને વૈશ્વિક મંચો પર ઉઠાવી છે.
તેમણે મિશન લાઇફ, સીડીઆરઆઈ, જૈવ ઇંધણ ગઠબંધન જેવી પહેલો દ્વારા ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને મહત્વ આપ્યું છે. ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયનને G20માં સામેલ કરવું તે આ દિશામાં એક મોટું પગલું હતું.
‘ક્વાડ’ દ્વારા હિંદ-પ્રશાંતમાં સ્થિરતા
‘ક્વાડ’ એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ભાગીદારીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ સંગઠન આજે વૈશ્વિક હિતોનું એક પ્રભાવશાળી શક્તિ બની ગયું છે અને હિંદ-પ્રશાંત ક્ષેત્રના લોકો માટે સકારાત્મક પરિણામો આપી રહ્યું છે.
બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની માંગ
વડાપ્રધાને એ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત સતત આ માંગ કરતું રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં સમય અનુસાર સુધારા કરવામાં આવે, જેથી તેઓ આજની ભૌગોલિક-રાજકીય અને આર્થિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરી શકે.
પીએમ મોદીનું આ નિવેદન માત્ર ભારતની રાજદ્વારી સંતુલન નીતિને દર્શાવતું નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી ભૂમિકા અને જવાબદારીને પણ રેખાંકિત કરે છે. ચીન અને અમેરિકા જેવી મહાસત્તાઓ વચ્ચે ભારતનો સંવાદ અને સંતુલન જાળવી રાખવું, આજની વૈશ્વિક રાજનીતિમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે.