યુએસ સાથે ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીનો UNGA પ્રવાસ રદ: એસ. જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
વિશ્વ રાજકારણમાં ભારત-અમેરિકા સંબંધો વચ્ચે ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિને ન્યૂયોર્ક ખાતે યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વાર્ષિક સત્રમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. તેમના સ્થાને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર દેશનું પ્રતિનિધિત્વ કરશે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફને લઈને તણાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે જાહેરમાં કહ્યું છે કે ભારત, રશિયન તેલ ખરીદીને “યુદ્ધ મશીનને ઇંધણ પુરૂં પાડી રહ્યું છે”, જેનાથી અમેરિકાના નિતિગત વલણ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
UNGAમાં જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
ભારતનું તર્ક છે કે તે પોતાના ઊર્જા હિતોને ધ્યાને લઈ એ પ્રકારના ખરીદી નિર્ણય કરે છે. અમેરિકાનો દંડાત્મક વલણ અને વધારાનો ટેરિફ ભારતમાં આર્થિક દબાણ ઊભું કરી શકે છે, જે બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોને વધુ જટિલ બનાવી શકે છે.પીએમ મોદીની યાત્રા રદ કરવી એ માત્ર કાર્યક્રમ સંબંધિત ફેરફાર નથી, પણ તેને રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના સ્થાને એસ. જયશંકરનું યુએનજીએમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ તણાવ ઘટાડવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ટેરિફ વિવાદ: ભારતની રાજદ્વારી વ્યૂહરચના
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફથી ભારતીય નિકાસને ભારે નુકસાન થવાની સંભાવના છે, ખાસ કરીને કાપડ, ઘરેણાં અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોને. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. UNGAમાં વડાપ્રધાનની ગેરહાજરીનો નિર્ણય એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત આ મામલે ગંભીર છે અને અમેરિકાની આર્થિક દબાણની નીતિથી પ્રભાવિત થશે નહીં.
આ નિર્ણય દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું આ રાજદ્વારી ગતિરોધ વેપાર સંબંધોને વધુ બગાડશે કે પછી વાટાઘાટો દ્વારા આ મુદ્દો ઉકેલાઈ જશે.