પાટીદાર અનામત આંદોલનમાં મહિલા ચેહરા તરીકે ઉભરી આવેલા રેશ્મા પટેલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધીને ભાજપને છોડી દેવાના નિર્ણયની જાહેરાત કરી છે. રેશ્મા પટેલ પોતે પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ભાજપને મોટો ફટકો પડ્યા વગર રહેવાનો નથી.
રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં વાત કરતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર લખ્યો છે. હું તમામ સંપર્કમાં છું.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ જ કરાવે છે. હું ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. મેં હાલ સરપંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. ત્યાર બાદ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતાં. મેં ગુજરાત પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે અને ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ.
રેશ્માએ જણાવ્યું હતું કે, ભાજપની નીતિઓ વિરૂદ્ધ હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ અને એ માટે પ્રચારનું કામ પણ શરૂ કરી દીધું છે. રેશમા પટેલે ચૂંટણી લડવા માટે ઉપલેટામાં ચૂંટણી કાર્યલય શરૂ કર્યું હોવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેના સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, એક સમયે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો માટે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલી અને પાટીદાર સમાજના હક માટે રેશ્મા પટેલ લડી હતી. સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવાર રેશ્મા પટેલે એકાએક ભાજપનો ખેસ ધારણ કરતાં પાટીદારોમાં રોષ ફેલાયો હતો. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલનથી અળગી રહીને રેશ્મા પટેલે ભાજપ માટે કામ કરવાનું શરુ કર્યું હતું.