હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભય ઉભો કરવાનું કાર્ય ગણાવ્યું હતું. સાથે જ યોગી આદિત્યનાથે હુંકાર ભર્યો હતો કે, જે લોકો ભય અને દહેશતનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે તેમના ઈરાદાઓને કચડી નાખવામાં આવશે. આ કેસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે અને આજે સાંજ સુધી તેની સમીક્ષા કરશે.
કોઈને પણ છોડવામાં નહીં આવે
સીએમ આદિત્યનાથે જણાવ્યું હતુ6 કે, પોલીસની પકડથી હજી પણ બહાર રહેલા આરોપીઓની ઝડપી પાડવાની પ્રકિયા ચાલી રહી છે અને સ્પેશિયલ ટીમને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. આજે સાંજ સુધીમાં આ કેસની સમીક્ષા કરવામાં આવશે. આ ઘટનાનો ઉલ્લેખ કરતા યોગીએ દાવો કર્યો હતો કે, ભય અને દહેશત ઉભી કરનારા જે પણ તત્વો છે તેમના ઈરાદાનો મજબુતીથી કચડી નાખવામાં આવશે. જે કોઈ પણ આ ઘટનામાં શામેલ છે તેમને છોડવામાં નહીં આવે.
5 લોકોની અટકાયત
કમલેશ તિવારી હત્યાકાંડ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કમલેશના હત્યારાઓ તેમને તેમના ઘરે મળવા ગયા હતાં અને તેની સાથે ચા-નાસ્તો પણ કર્યો હતો. કમલેશના અંગત સહાયકને બજારમાં મોકલીને તેની હત્યા કરવામાં આવી. આ કેસમાં ત્રણ લોકોની ગુજરાત એટીએસએ અને બે લોકોની ઉત્તર પ્રદેશમાંથી અટકાયતમાં લીધા છે. જ્યારે અન્યો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.
કમલેશ તિવારીના પરિવારને મળશે યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તે કમલેશના પરિવારને મળવા તૈયાર છે. જોકે કમલેશ તિવારીની હત્યા બાદ તેમના પરિજનો અંતિમ સંસ્કાર કરવા રાજી નથી. તેઓ માંગણી કરી રહ્યાં છે કે, પહેલા યોગી આદિત્યનાથ તેમની સાથે મુલાકાત કરે ત્યાર બાદ જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે સાંજે યોગી આદિત્યનાથ કમલેશ તિવારીના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે છે.