રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા જેમની પિતૃ ભૂમિ, માતૃ ભૂમિ અને પૂણ્ય ભૂમિ ભારત છે તેને સર્વોપરિતા આપવામાં આવે છે. આરએસએસની વિચારધારાને રાજકીય રીતે પ્રસારવાનું કામ ભાજપ કરે છે. હવે પ્રશ્ન થાય કે કોની માતૃ,પિતૃ અને પૂણ્ય ભૂમિ ભારત છે. મુસ્લિમોની પૂણ્ય ભૂમિ મક્કા-મદીના છે. ખ્રિસ્તી અને યહુદીઓની જેરૂસલેમ છે. આ ત્રણેય ધર્મોની પિતુ, માતૃ અને પૂણ્ય ભૂમિ ભારત નથી એટલે સંધના હિસાબે આ ત્રણેય ધર્મના લોકો ભારતીય નથી? સંઘનો દ્વેષ માત્ર મુસ્લિમ સમુદાય પુરતો સીમીત નથી, બલ્કે જેમની પિતૃ, માતૃ અને પૂણ્ય ભૂમિ ભારત નથી તેવા તમામ ધર્મો પ્રત્યે રહ્યો છે આ એક નરી હકીકત છે.
ભાજપની વિચારધારા સંઘના આમૂખના આધારે ઘડાઈ છે. સંઘની વિચારધારા સીધી રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની છે અને તેમાં બાકીના ધર્મો માટે કોઈ સ્થાન નથી અને એટલે કદાચ ભાજપ કે સંઘમાં અન્ય ધર્મોના લોકોને સ્થાન આપવામાં આવતું નથી. આમ તો પારસીઓની પણ પિતૃ, માતૃ અને પૂણ્ય ભૂમિ ભારત નથી, પરંતુ સ્મૃતિ ઈરાનીને અપવાદરૂપ કિસ્સામાં મહત્વ આપવામાં આવે છે. પારસીઓની પૂણ્ય ભૂમિ ઈરાન છે. કેટલાકને સ્થાન આપવામાં આવ્યા છે તેની પાછળ ચૂંટણી પંચના નિયમો અને બંધારણીય જોગવાઈ કારણભૂત છે.
વિચારધારાને ચૂસ્તતાથી પકડીને ભાજપ-સંઘમાં આદેશ આપવામાં આવે છે. ભાજપમાં લોકો પર પકડ ધરાવતા નેતા નથી પણ સંઘ કે ભાજપનો આદેશ જ કોઈને પણ નેતા બનાવી શકે છે. જો લોકો નેતા બનાવતા હોય તો આજે અડવાણી અને મુરલી મનોહર જોષીની સાથે આખા દેશમાંથી કરોડો કાર્યકરોએ બળવો કર્યો હોત. ભાજપમાં કોઈ પણ નેતાને સાઈડ ટ્રેક કરીને સાફ કરી નાંખવાનું આસાન છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા(કોંગ્રેસમાં જતા ટકી ગયા), સંજય જોષી વગેરે, વગેરે અનેક નામો લઈ શકાય છે.
ભાજપ શા માટે બિન્દાસ્ત થઈ અણગમતા નેતા કે કાર્યકરને હાંસીયામાં ધકેલી દે છે તો તેની પાછળ સીધું કારણ પક્ષ દ્વારા અપાતો પાર્ટીનો આદેશ હોય છે. ગમે ત્યારે ગમે તેનું કોલર પકડીને બહારનો રસ્તો બતાવી શકાય છે અને કોઈના ખભે હાથ મૂકીને રાતોરાત સ્ટાર લીડર બનાવી શકાય છે. એક સ્થિતિમાં ભાજપ-સંઘની અપ્રિયતા છે તો બીજા સ્ટેજ માટે પ્રિયતા જરૂરી છે.
હવે કોંગ્રેસમાં આનાથી સાવ ઉલ્ટું ચાલે છે. કોંગ્રેસમાં એ જ માણસ નેતા બને છે જે સમાજ કે લોકો પર પોતાની પકડ ધરાવતો હોવો જોઈએ. કોંગ્રેસની ટેન્ડસી એ જ પ્રકારની રહી છે કે લોકોમાંથી જન્મેલી વ્યક્તિને નેતા બનાવવા. આનાથી થાય છે એવું કે કોંગ્રેસ સાથે બગડે તો એ નેતાની સાથે એના કાર્યકરો પણ કોંગ્રેસમાંથી વહી જાય છે. કોંગ્રેસમાં આદેશ નથી આવતો પણ કોંગ્રેસમાં નેતા અને તેની સમાજ શક્તિના માપદંડો કામ કરે છે. આનું પરિણામ એ આવે છે કે કોંગ્રેસમાં કોઈ પણ નેતાને જરા સરખું પણ વાંકું પડે તો પક્ષ છોડવા કે પછી રાજીનામું આપી દેવા સુધીની ઘટનાઓ બન્યા કરે છે. ગુજરાતમાં હાલ આ ફાલ વધારે ચાલી રહ્યો છે.
ભાજપમાં આદેશ આવી ગયા બાદ કોઈ માઈનોલાલ ચૂં કે ચા કરી શકતો નથી. જ્યારે કોંગ્રેસમાં નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરીને કોંગ્રેસની આબરુના લીરેલીરા કરતા જોવા મળશે. આની અસર મતદારો પર ખરાબ રીતે પડે અને કોંગ્રેસ કેટલીક વાર તો જીતવાની બાજી પણ હારી જાય છે.
ગુજરાતમાં હાલની સ્થિતિએ ગણીએ તો લગભગ લોકસભાના અડધા ઉમેદવારો કોંગ્રસી ગૌત્રના છે જ્યારે વિધાનસભાના ચારેય ઉમેદવારો તો કોંગ્રેસી જ છે. છતાં ભાજપના કાર્યકરો તમામને જીતાડવા મેદાનમાં છે અને સામે કોંગ્રેસમાં સ્થિતિ એ છે કે મૂળ કોંગ્રેસી ઉમેદવારોને હરાવવા ખુદ કોંગ્રેસના લોકો ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે. હૂંસાતૂસી અને ચડસાચડસીના અજગરી ભરડામાં ગુજરાતમાં કોંગ્રેસ ઉભી થવા જાય છે ને તરત પડી જાય છે.
ભાજપે ઉમેદવારોની પસંદગી કરી છે તો એમાં કોંગ્રસના એંગલથી જોઈએ તો મોટાપાયા પર ભડકો થઈ જવો જોઈતો હતો પરંતુ વિચારધારાથી વરાયેલા લોકો અને કાર્યકરો ભાજપ-સંઘના આદેશથી જરા સરખા પણ આડા-અવળા થવાનું વિચારતા સુદ્વા નથી. ભાજપ અને કોંગ્રેસમાં આ મોટો તફાવત છે. કોંગ્રેસ આને લોકશાહી ગણાવી રહી છે તો ભાજપ આને શિસ્તનું ગણવેશ ગણાવે છે. કેડર બેઝ પાર્ટીનું લેબલ આપે છે.