તામિલનાડૂમા 18મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વોટર્સ સરવેમાં તામિલનાડૂમાં DMK-કોંગ્રેસની યુતિ ક્લિન સ્વીપ કરી રહી હોવાનો સરવે અંગ્રેજી અખબારોએ બહાર પાડ્યો છે. ઓપિનિયન પોલમાં DMK ગઠબંધન ક્લિન સ્વીપ કરી રહ્યું હોવાનું જણાઈ આવી રહ્યું છે. તામિલનાડૂમાં ભાજપે AIADMK સાથે જોડાણ કર્યું છે અને AIADMKને નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી રહી છે.
AIADMK ઉપરાંત એસ.રામોદાસની પીએમકે અને સાઉથના ફિલ્મ અભિનેતા વિજયકાંતની DMDK પણ ગઠબંધનમાં સામેલ છે. પાછલા આઠ વર્ષથી સત્તા સ્થાને રહેલી AIADMKને ડબલ એન્ટી ઈનક્મબન્સીનો સામનો કરવો પડી રહ્યો છે. એન્ટી ઈનકમબન્સી સહિત એન્ટી મોદી વેવ પણ જોવા મળી રહ્યો છે. સાયક્લોન ગાઝા ત્રાટક્યા બાદ પીએમ મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની તસ્દી લીધી ન હતી. જ્યારે ચૂંટણી પ્રચાર માટે તેઓ પાંચ વાર તામિલનાડૂની મુલાકાત લઈ ચૂક્યા છે.
AIADMKના નેતા અને તામિલના મુખ્યમંત્રી એડાપડ્ડી પ્લાનીસ્વામી દ્વારા એક હાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સરકારની વિકાસલક્ષી યોજના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે. AIADMK દ્વારા સ્વ.મુખ્યમંત્રી જયલલિતાના નામે પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસના નેતા જગન રેડ્ડીનો જાદૂ ચાલી રહ્યો છે અને વાયએસઆર આંધ્રની 25 સીટમાંથી 22 સીટ મેળવી શકે તેવો રિપોર્ટ અખબારોએ પ્રસિધ્ધ કર્યો છે. ચંદ્રબાબુ નાયડૂને મોટી હાર સહન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે તેલંગાણામાં ટીઆરએસ 17માંથી 13 સીટ જીતી શકે તેવા અનુમાન છે. કેરલમાં કોંગ્રેસ-યુડીએફ ગઠબંધન 20માંથી 16 સીટ જીતી શકે તેવી શક્યતા છે.