ગાંધીનગર
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી. 25 વર્ષથી ભાજપ ખુરશી ઉપર જાણે કે ગુંદર ચોંટાડીને બેસી ગયો છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીએ તાજેતરમાંજ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. 2022ની સાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ તરફથી હરહંમેશની માફક તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે પણ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એવી છે કે સેનાપતિ કોણ બનશે એ પણ આટલા મહિનાઓની કસરત પછી આ લખાય છે ત્યાં સુધી નક્કી નથી. આ બધુતો ટૂંક સમયમાં થાળે પડી જશે પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારોનું થઇ પડશે પરંતુ ચૂંટણી લડવાના રૂપિયા ક્યાંથી કાઢવા એ કોંગ્રેસ માટે એક યક્ષ પ્રશ્ન હોવાનું કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનું કહેવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક વરિષ્ઠ આગેવાનના જણાવ્યા મુજબ 1985 થી 1990 સુધીનો સમય એવો હતો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એઆઈસીસીને ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ થવાતું હતું. ત્યાર બાદ કોંગ્રેસ ગુજરાતમાંથી સત્તા બહાર થી તો એવી થઇ કે આજ દિન સુધી ખુરશીની આસપાસ ફરકી શકી નથી. 2015ની સાલમાં કોંગ્રેસે 2001ની સાલ પછી ફરી એકવાર એવો દિવસ જોયો કી 21 જિલ્લા પંચાયતો પર પંજાનું રાજ આવ્યું. એમ છતાં કોંગ્રેસ ગુજરાતમાં પાર્ટી ચલાવવા માટેનું ફંડ ઉભું નથી કરી શકી એમ અનેક આગેવાનો નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસની કોર ટીમના એક આગેવાને તો ત્યાં સુધી જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ બને એ નેતાએ ગુજરાત પ્રદેશ કમિટીની ઓફિસ ચલાવવા માટે વર્ષે રૂ. 40 થી 50 લાખની વ્યવસ્થા કરવી પડે. પહેલાતો ગુજરાતમાંથી જ એટલું ડોનેશન મળી જતું કે કોઈ તકલીફ નહોતી પડતી પણ હવે એ પણ સાવ નમાલી રકમનું મળે છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી 9 હજારથી વધુ ઉમેદવારોએ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ લડી હતી. આ તમામ ઉમેદવારોને લડવા માટે પાર્ટીએ કેટલું ફંડ આપ્યું છે એ તપાસ કરો તો ખબર પડે કે આર્થિક હાલત કેવી છે.
આ અંગે અમે દિલ્હી હાઈ કમાન્ડની કોર ટીમના એક આગેવાનને પૂછ્યું તો ઑફ ધ રેકોર્ડ જણાવ્યું કે માહિતી સાચી છે પરંતુ એની પાછળનું કારણ આર્થિક ઓછું છે, હાઈ કમાન્ડનો ગુજરાતની નેતાગીરી ઉપરનો તળિયે ગયેલો વિશ્વાસ એ મહત્વનો મુદ્દો છે. આ આગેવાને વધુમાં જણાવ્યું કે 2022ની સાલની ચૂંટણીમાં કોંગ્રેસ આર્થિક તંગીનો મુદ્દો દૂર કરી દેશે.