નવી દિલ્હી : સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સંસદમાં મોનસુન સેશન શરુ થાય તે પહેલા તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામ રિપોર્ટ આવતા 17 સાંસદોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
આ 17 સાંસદોને કોરોના ચેપ લાગ્યો છે
સુખબીર સિંહ (ભાજપ), હનુમાન બેનીવાલ (આરએલપી), મીનાક્ષી લેખી (ભાજપ), સુકંતા મજુમદાર (ભાજપ), અનંત હેગડે (ભાજપ), જી માધવી (વાયઆરએસસી), પ્રતાપ રાવ જાધવ (શિવસેના), જનાર્દનસિંહ સિગરીવાલ (ભાજપ), વિદ્યુત બરન મહતો (ભાજપ), પ્રધાન બરુઆ (ભાજપ), એન. રેડેપ્પા (વાયઆરએસસી), સેલ્વમ જી (ડીએમકે), પ્રતાપ રાવ પાટિલ (ભાજપ), રામશંકર કથીરિયા (ભાજપ), પ્રવેશ સાહિબ સિંહ (ભાજપ), સત્યપાલ સિંહ (ભાજપ) અને રોડમલ નાગર (ભાજપ).
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ રોગચાળાને લગતી માર્ગદર્શિકાના મુજબ સંસદનું ચોમાસું સત્ર આજ (14 સપ્ટેમ્બર)થી શરૂ થયું. આ સમય દરમિયાન, પ્રથમ વખત, લોકસભાના સભ્યો રાજ્યસભામાં બેઠા હતા અને ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. આજે લોકસભાની કાર્યવાહીમાં 359 સાંસદોએ ભાગ લીધો હતો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, લોકસભાના સભ્યોને ઉપલા ગૃહમાં બેસવાની મંજૂરી આપવા અને રાજ્યસભાના સભ્યોને સામાજિક અંતરના પાલનને ધ્યાનમાં રાખીને નીચલા ગૃહમાં બેસવાની સુવિધા આપવા માટે નિયમો અને પ્રક્રિયાઓમાં રાહત આપવામાં આવી છે.
મોનસુન સેશનના પ્રથમ દિવસે લોકસભાની કાર્યવાહી સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલી હતી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.
સેશનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય ઘણા મંત્રીઓ અને સભ્યો માસ્ક પહેરીને બેઠકમાં પહોંચ્યા અને સામાજિક અંતરનું પાલન સુનિશ્ચિત કર્યું. વડાપ્રધાન મોદીએ વાદળી થ્રી-પ્લાય માસ્ક પહેરેલું હતું, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાન મધુબની માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. કલ્યાણ બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સભ્યો માસ્ક ઉપરાંત ફેસ શિલ્ડ પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા.