કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી, જેમાં પાકિસ્તાન સાથેની સરહદે સુરક્ષા વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને કેન્દ્રીય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ પણ શાહની અધ્યક્ષતામાં બેઠકમાં હાજરી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.
આ સુરક્ષા સમીક્ષા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષાકર્મીઓ પર હુમલા, ઘૂસણખોરીના પ્રયાસો અને હત્યાઓના પગલે કરવામાં આવી છે. ગુરુવારે ઉરીના કમલકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સુરક્ષાકર્મીઓએ ત્રણ ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પલ્લનવાલા સેક્ટરમાં મંગળવારે રાત્રે સરહદ પારથી ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીના ઓછામાં ઓછા ત્રણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સતર્ક સૈનિકોએ તેમના પર ગોળીબાર કર્યો અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા. 21 ઓગસ્ટના રોજ, રાજૌરી જિલ્લાના નૌશેરાના ઝાંગાર સેક્ટરમાં તૈનાત સૈનિકોએ નિયંત્રણ રેખા (ભારતીય ક્ષેત્ર) ની આ બાજુ બે થી ત્રણ આતંકવાદીઓની હિલચાલ જોઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એક આતંકવાદીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સૈનિકોના ગોળીબારમાં તે ઘાયલ થયો હતો અને તેને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. જો કે અન્ય બે આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. તે જ સમયે, 22-23 ઓગસ્ટની રાત્રે, બેથી ત્રણ આતંકવાદીઓના જૂથે નૌશેરાના લામ સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ લેન્ડમાઈન વિસ્ફોટ થતા બે આતંકીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. 11 ઓગસ્ટના રોજ, આતંકવાદીઓએ રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ચાર જવાનો શહીદ થયા. જોકે, બંને હુમલાખોરોને જવાનોએ ઠાર માર્યા હતા.