અમદાવાદ સહિત રાજ્યની 6 મનપા,56 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત ચૂંટણીનું ઓક્ટોબર, ડિસેમ્બર માં યોજવાનું આયોજન રાજ્ય ચૂંટણીપંચે હાથ ધર્યું હોવાનું કોંગ્રેસના દરિયપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે જણાવ્યું હતું. તેમણે ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા રજુઆત કરી હતી.
ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાશે તો રાજકીય નેતાઓ 30 થી 35 દિવસ જાહેર સભા નહીં કરે તો પણ રેલી અને ઘરે ઘરે જઈને પ્રચાર કરનાર હોવાથી કોવિડ-19 નું સંક્રમણ વધુ ફેલાશે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ ન રખાય તો નાછૂટકે હાઇકોર્ટમાં પીઆઈએલ કરવી પડશે તેવી ચિમકી ગ્યાસુદીન શેખે ઉચ્ચારી હતી.
રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરતા શેખે કહ્યું હતું કે, લોકશાહી દેશમાં ચૂંટણી એક પર્વ હોય છે અને દરેક ઉમેદવાર જીતવા માટે તનતોડ મહેનત કરે છે. આવા સંજોગોમાં રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પક્ષો ક અન્ય હિસ્સેદારો સાથે ચૂંટણી બાબતે ચર્ચા કરવાને બદલે એક તરફી આયોજન કાર્યવાહી હાથ ધરી દીધી છે.
ચૂંટણીમાં પ્રચારમાં આચાર સંહિતા અને કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં અનેક વ્યવહારિક મુશ્કેલી પડે છે. આવા સંજોગોમાં કોવિડ-19 નું સંક્રમણ વધારે ન ફેલાય તેટલાં માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવી જોઈએ તેવી માંગ ધારાસભ્ય શેખે કરી હતી. તેમણે ચૂંટણી મોકૂફ નહીં રખાય તો કાયદાકીય પગલાં ભરીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ત્યારે બીજીતરફ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પણ ઇલેક્શન માટે સંપૂર્ણ પણે તૈયારી ચાલુ કરી દીધી છે અને મહાનગરોમાં ચૂંટણી નિરીક્ષકો ની પણ નિમણૂક કરી દેવામાં આવી છે તો શું આ બાબત થી કોંગ્રેસ ના જ ધારાસભ્ય અજાણ છે કે શું ? એક તરફ દરેક મહાનગરો માં નિરીક્ષકો દ્વારા મિટિંગો નું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ કોંગ્રેસ ના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ઇલેક્શન નહીં યોજવા માટે ચૂંટણી પંચ ને પત્ર લખ્યો છે તો હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ શુ નિર્ણય લેશે.