પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં બુધવારે વાસણા વિસ્તાર માં ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કચરાની સફાઈ કરનાર આ મંત્રીઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમમાં મેયર આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા ન હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ તરફથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો અને હવે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં ચારેક જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યક્રમ ગુપ્તાનગરમાં પણ યોજાયો હતો. મેયરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં એલીસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહ તથા વાસણા વિસ્તારના કોર્પોરેટરો અને પૂર્વ મેયર અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
જોકે, ઉત્સાહમાં આવેલા આ તમામ લોકો નિયમોને નેવે મૂકીને પોતાનો કાર્યક્રમ પૂરો કરવામાં લાગી ગયા હતા. મંત્રીઓ અને કાર્યકર્તાઓ માત્રને માત્ર એક બીજાને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાનું કહેતા રહ્યા, પરંતુ હકીકતમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના પાળી શક્યા નહોતા. આ કાર્યક્રમમાં 30થી વધુ લોકો જોડાયા જતા અને તમામ લોકો એકબીજાની નજીક રહીને સફાઈ કરી રહ્યા હતા.
બીજી તરફ કોર્પોરેશન તરફથી આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બિજલબેન પટેલ પણ હાજર રહેવાના હોવાનું આમંત્રણ મેસેજમાં કહેવાયું હતું. જોકે, વારંવાર અનેક વિવાદોમાં સપડાયેલા મેયર પ્રધાનમંત્રીના જન્મદિન પહેલાં આ કાર્યક્રમોમાં દેખાયા પણ ન હતા. કાર્યકર્તાઓમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે ધારાસભ્ય રાકેશ શાહે મેયરનો બચાવ કર્યો હતો અને કહ્યુ કે, અનેક કાર્યક્રમો હોવાથી મેયર ત્યાં ગયા હોય શકે છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે તેઓએ કહ્યું કે, વધુ લોકો ઉપસ્થિત હોવાથી એવું લાગે કે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાયું. તેઓએ કહ્યુ હતુ કે લોકોને નિયમ પાળવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ લોકચર્ચા જાગી છે કે બીજેપીના કાર્યકરો આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને કોરોનાનું સંક્રમણ વધારી રહ્યા છે.