લગ્નપ્રસંગે 100થી વધુ વ્યક્તિઓની છૂટ ન અપાતા મંડપ અને ડેકોરેશન એસોશિએનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંડપ એસોસિએશને રાજકિય પક્ષોના મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજકીય અગ્રણીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે.
રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા મંડપ એસોસિએશને ભાજપ-કૉંગ્રેસ સહિત કોઈપણ રાજકિય પક્ષના કાર્યક્રમ માટે મંડપ ડેકોરેશન ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, લગ્નપ્રસંગ કરવા હોય તો નિયમો, પરંતુ રાજકિય પક્ષોની રેલીમાં ભીડ હોય તો વાંધો નહીં.
ગુજરાત રાજ્ય મંડપ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈનું કહેવું છે લોકડાઉન બાદ મંડપ વ્યાવસાયકારોની આર્થિક હાલત કફોડી બની છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ 6 હજાર લોકોની રોજગારી સામે સવાલ ઉભા થયા છે. આ સંજોગામાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાં છતાં કોઈ ઉકેલ ન આવતા રાજકિય પક્ષોના કાર્યક્રમમાં મંડપ ડેકોરેશન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. અને જ્યાં સુધી મંડપ વ્યવસાયકારોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.