ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જે બાદ ચૂંટણીમાં કારમી હાર બાદ નવા પ્રમુખની પસંદગી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિપક્ષના હોદ્દા માટે ઝંપલાવતી કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસ પક્ષના નેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા તરીકે જાહેર કર્યા છે. પરંતુ હજુ પણ કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો મળ્યો નથી. બીજી તરફ કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડે જગદીશ ઠાકોરના સ્થાને નવા પ્રમુખ પદ માટે નામો પણ માંગ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતની ચૂંટણીમાં શરમજનક હાર બાદ પરાજિત નેતાઓએ ગુજરાત પ્રદેશ પ્રમુખ પર આક્ષેપો કર્યા હતા. ક્યાંક ટિકિટો વેચાઈ હોવાની અફવા ફેલાઈ હતી તો ક્યાંક પાર્ટીના મોટા નેતાઓ ભાજપ તરફ વળ્યા હતા. આ દરમિયાન જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસની હાલત કફોડી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડે નવા પ્રમુખ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુત્રો એમ પણ કહી રહ્યા છે કે પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે. હાલ તેઓ રાહુલ ગાંધી સાથે જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં જોડાયા છે. આ સાથે જ નવા પ્રદેશ પ્રમુખ માટે અર્જુન મોઢવાડિયાનું નામ પણ જણાવવામાં આવી રહ્યું છે. જો કે કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે તેની ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં શરૂ થઈ ગઈ છે.
ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 38 નેતાઓને કોંગ્રેસે પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. કોંગ્રેસ હવે એક્શન મોડમાં છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ શનિવારે પાર્ટીએ ત્રણ નેતાઓને રસ્તો બતાવ્યો છે. ત્રણેય નેતાઓને સંપૂર્ણ સસ્પેન્ડ કરતાં નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ખાનગી નિરીક્ષક દ્વારા કરાયેલા સર્વે બાદ આ નેતાઓને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.