કોંગ્રેસમાં એક પછી એક ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. પેટર્ન ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પ્રમાણે જ ચાલી રહી છે. પાર્ટીમાં અસંતોષ, વિશ્વાસઘાત અને ટીકીટ ફાળવણીમાં ઉપેક્ષાની બૂમ સંભળાઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પાછળ માત્ર ભાજપના એંગલથી વિચારણા કરવામાં આવી રહી છે પણ ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસમાંથી સવાર થાયને ધડ કરીને રાજીનામું ધરી રહ્યાની ભીતરમાં કોંગ્રેસના પૂર્વ નેતાનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. આ પૂર્વ અને વરિષ્ઠ નેતા દ્વારા કોંગ્રેસમાં તોડફોડની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસમાં અહમનો ટકરાન ચરમસીમા પર છે, રાહુલ ગાંધીની પણ ડાગલી ચસકી જાય તેવા પ્રકારની જૂથબંઘીમાં કોંગ્રેસ ગળાડૂબ જોવા મળી રહી છે. ભરતસિંહ સોલંકી પણ કોઈને ગાંઠતા ન હતા અને અમિત ચાવડા પણ મોટાભાની સ્ટાઈલ પર ચાલી રહ્યા છે. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરના રાજીનામાથી પ્રકરણ પતી ગયું છે એમ સમજવાની કોંગ્રેસ ભૂલ ન કરે. હજુ પણ ચારથી પાંચ ધારાસભ્યો લાઈનમાં છે. પ્રથમ તો અલ્પેશ ઠાકોરની સાથે ઠાકોર સેનાએ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ અલ્ટીમેટમ આપેલું છે. અલ્પેશની સાથે જ અન્ય એક મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ છે. વિધાનસભામાં ભરતસિંહે અલ્પેશ ઠાકોરને ટીકીટો આપી અને તેમના ધારાસભ્યો જીત્યા હવે સ્થિતિ એ આવીને ઉભી થઈ છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફ ફેંકાયેલા ગોફણ હવે કોંગ્રેસને જ વાગી રહ્યા છે.
ગોફણબાજી ચાલી રહી છે. કોંગ્રેસ કરતાં ભાજપમાં મોટાપ્રમાણમાં અસંતોષ ભભૂકે છે પણ કોઈની તાકાત નથી કે બળવો કે રાજીનામું આપવાની વાત પણ કરી બતાવે. એક માત્ર નીતિન પટેલ અને પરષોત્તમ સોલંકીના પ્રકરણને બાદ કરતાં તમામ ધારાસભ્યો સીધી રીતે ચાલી રહ્યા છે. ભાજપમાં આ વાત પ્લસ પોઈન્ટ છે. દાખલો લઈએ કે ચારેય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતીકો ઉમેદવાર આપ્યો નથી. ચારેય ઉમેદવારો કોંગ્રેસમાંથી આવેલા છે. પરંતુ ભાજપના કાર્યકરો ચારેય ધારાસભ્યોને પોતાના ખભે બેસાડીને ચાલી રહ્યા છે. આનાથી ઉલ્ટું કોંગ્રેસમાં છે. જો કોંગ્રેસમાં ભાજપનો માણસ આવે તો કોંગ્રેસીઓની જૂથબંધીમાં એનો ફિસોટો નીકળી જાય અને કોંગ્રેસીઓ બળવો પણ કરે અને જાહેરમાં પાર્ટીની ફજેતી પણ કરે. આ ફરક છે ભાજપ અને કોંગ્રેસમાં. બાકી કોંગ્રેસ જેવું ભાજપમાં ચાલે તો કુંવરજી બાવળીયાને હરાવતા ભાજપના કાર્યકરોને કેટલી વાર લાગે.
કોંગ્રેસમાં તોડફોડની બ્લૂપ્રિન્ટમાં ભાજપના નેતાઓના નામ આવે છે પણ સાથ સાથે પૂર્વ કોંગ્રેસી નેતાનું નામ એટલા માટે આવે છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા નથી. એવી ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી બાદ તેમને મહત્વની જવાબદારી સોંપવાની અટકળો પણ ચાલી રહી છે.