કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ બન્ને ધારાસભ્યના ભાજપ પ્રવેશની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોરે મુલાકાતને ઔપચારિક ગણાવી છે.
આ પૂર્વે અલ્પેશ ઠાકોરે એક્તા યાત્રાલ દરમિયાન ભાજપના નેતા શંકર ચૌધરી સાથે પણ રસ્તા વચ્ચે મુલાકાત કરી હતી અને મીડિયામાં આ મુલાકાત ખાસ્સી વાયરલ થઈ હતી. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી સાથે લગભગ અડધો કલાક ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીની મુલાકાત અંગે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સાબરકાંઠાની પોલીસ હેરાન કરી રહી છે. અલ્પેશ આ મામલે સીએમને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને પોલીસ કનડગત મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ તો અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી ખાસ્સા નારાજ ચાલી રહ્યા છે. રાજીવ સાતવે બોલાવેલી કારોબારી મીટીંગમાં પણ અલ્પેશ ઠાકોર હાજર રહ્યા ન હતા. ત્યાર બાદ અહેમદ પટેલ અને સાતવ સાથે અલ્પેશ અને ધવલસિંહે અલગ-અલગ મીટીંગ કરી હતી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
અહેમદ પટેલ અને રાજીવ સાતવને મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી અને ગુજરાત કોંગ્રેસની સ્થિતિથી વાકેફ કર્યા હતા. રાહુલ ગાંધીને મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે એક્તા યાત્રા શરૂ કરી શક્તિ પ્રદર્શન બતાવ્યું છે.