કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા હોવા અંગે મીડિયામાં આવેલા ન્યૂઝ અંગે ઠાકોરે આક્રમક રીત જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે આકરો જવાબ આપતા આખીય વાતને ભેજાગેપ અને એક માત્ર અફવા ગણાવી હતી. અલ્પેશ ઠાકોર હાલ એક્તા યાત્રા પર છે અને ગામે ગામ એક્ત યાત્રા પર નીકળી લોકોમાં એક્તાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે વાત કરતા કહ્યું કે ભાજપના નેતા શંકર ચૌધરી સાથેની મુલાકાત આકસ્મિક હતી. જાહેર રસ્તા પર મુલાકાત થઈ હતી. દિયોદરના રામવાસ પાસેથી એક્તા યાત્રા નીકળી રહી હતી ત્યારે મારી ભાજપના નેતા શંકર ચૌધરીની કાર ટ્રાફીકમાં ફસાઈ જવા પામી હતી. કાર્યકરોએ જણાવ્યું કે શંકર ચૌધરીની કાર છે અને તેમણે મળવા માટે કહ્યું તો મેં ઈન્કાર કર્યો ન હતો. સૌજન્યશીલ મુલાકાત હતી. એમાં કોઈ રાજકીય ઈરાદો કે ભાજપમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે ભાજપમાં જોડાવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. શંકર ચૌધરી સાથે જાહેર રસ્તા પર મળવાનું થયું એટલે મોટાપાયા પર મીડિયામાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાતો વહેતી કરવામાં આવી છે. આ એક રીતે મારા વિરુદ્વ પદ્વિતસર ચાલી રહેલું રાજકીય કાવત્રું છે.
જણાવી દઈએ કે ગઈકાલે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી દિયોદર ખાતે રસ્તા પર મળ્યા હતા. ત્યાર બાદ એવી વાતો ચાલી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ચાર ધારાસભ્ય સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. એટલું જ નહીં વાત એવી પણ ચાલી કે ભાજપે અલ્પેશ ઠાકોરને પાટણ લોકસભાની સીટ પરથી લડાવવાનું પણ નક્કી કરી લીધું છે. અલ્પેશ ઠાકોર સમગ્ર વાતોનું ખંડન કરી ફગાવી દીધી છે.