ગુજરાત સરકારની રચના ટાણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેની ખાતા ફાળવણીમાં તેમના રિસામણા ભાજપ માટે ધર્મસંકટ ઉભું કર્યું હતું. આ પ્રકરણમાં ઘી આખરે ખીચડીમાં પડ્યું અને નીતિન પટેલના રિસામણાને મનામણામાં ફેરવી મનગમતું ખાતું આપવામાં આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વખત નીતિન પટેલની સરેઆમ હાંસી થાય તે રીતે તેમની વિવિધ કાર્યક્રમોમાંથી બાદબાકી કરવામાં આવતી રહી છે.
અમદાવાદ ખાતે ચોથી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે ત્યારે આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આ પહેલી વખત બન્યું નથી કે નીતિન પટેલની બાદબાકી કરવામાં આવી હોય.
આ આમંત્રણ પત્રિકામાં વડાપ્રધાન મોદી ઉપરાંત, રાજ્યપાલ, મુખ્ય મંત્રી, કેન્દ્રી મંત્રી હરદિપસિંહ પુરીના નામનો જ અતિથિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નીતિન પટેલ રાજ્ય સરકારમાં નંબર-ટૂના સ્થાને હોવા છતાં તેમને આમંત્રણ પત્રિકામાં ક્યાંય પણ સ્થાન આપવામાં આવ્યું નથી. સીધી રીતે કહીએ તો હવે નીતિન પટેલને હાંસીયામાં ધકેલવામાં આવી રહ્યા છે. દેખાવ ખાતર કેટલાક કેસોમાં તેમની પાસે મીડિયા બ્રીફીંગ અને અન્ય કામ લેવામાં આવે છે, બાકી અંદરખાનેથી તો નીતિન પટેલની રાજકીય કરિયર અંગે પ્રશ્નાર્થ મૂકાઈ રહ્યો છે. મહત્વની વાત એ છે નંબર-ટૂ પોઝીશન પર હોવા છતાં નીતિન પટેલની બાદબાકી કરાઈ અને અમદાવાદના મેયરનું નામ લખવામાં આવ્યું છે તથા જાપાનના રાજદુતનું નામ પણ લખાયું છે.