2019ની લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓમાં તડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે. તેવામાં દિલ્હીની રાજગાદી પર બેસવા માટે એક તરફ ગઠબંધનનું રાજકારણ ચાલી રહ્યું છે ત્યાં વળી ત્રણેક રાજ્યને છોડી ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા આગળ વધી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને લઈ આ વખતે ભાજપ જ નહીં પણ લોકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને અમિત શાહની લોકપ્રિયતાને લઈ મોટો સરવે બહાર પાડવામાં આવ્યો છે. ભાજપ, પીએમ મોદી અને અમિત શાહની પરેશાનીમાં વધારો કરનારો સાબિત થાય તેવો આ સરવે રિપોર્ટ છે. સરવે પ્રમાણે ભાજપના પ્રમુખ તરીકે અમિત શાહની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
શું કહે છે સરવેના પરિણામો?
ઈન્ડીયા ટૂડેના મૂડ ઓફ નેશન સરવે પ્રમાણે 2019ના જાન્યુઆરી મહિના સુધી 34 ટકા લોકોનું માનવું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહનું પ્રદર્શન સારું અને ખૂબ સારું રહ્યું છે. ઓગષ્ટ, 2018માં કરાયેલા સરવેના આંકડા જોઈએ તો તે સમયે 50 ટકા લોકોએ અમિત શાહના પ્રદર્શનની સરાહના કરી હતી. અન્ય સરવેમાં લોકોએ કહ્યું કે અમિત શાહનું કાર્ય સરેરાશ 34 ટકા જ રહ્યું છે. જ્યારે 27 ટકા લોકોનો મત છે કે પ્રમુખ તરીક અમિત શાહનું પ્રદર્શન ખરાબ અને અતિ ખરાબ રહ્યું છે. ઓગષ્ટ, 2018માં અમિત શાહના પ્રદર્શનને ખરાબ અને અતિ ખરાબ કહેનારા લોકોની ટકાવારી માત્ર 16 ટકા જ હતી. સરવેમાં ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે અમિત શાહ પોતે સંઘ પરિવારના વ્યક્તિ હોવાના નાતે વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે, અને નરેન્દ્ર મોદીનો વિકલ્પ પણ બની શકે છે.
3-0 થી મળેલી હાર બાદ બદલાયા લોકોના અભિપ્રાય
કોઈ પણ પાર્ટી માટે હાર અને જીત કોઈ અર્થ ન રાખતી હોય અને હાર અને જીત એ ચૂંટ્ણીના બે પાસા હોય તો પણ એક નેતાની વ્યક્તિગત ઈમેજ માટે મહત્વનું પરિબળ બની જાય છે. તાજેતરમાં થયેલી ત્રણ રાજ્યોન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હાર ખમવી પડી છે. આ હારથી અમિત શાહની ઈમેજ બદલાઈ છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રસે ભાજપની પાસેથી સત્તા આંચકી લીધી છે. જોકે, અમિત શાહની લોકપ્રિયતામાં ઘટાડો ભાજપ માટે ચિંતાજનક ન હોવાનું ભાજપના નેતાઓ કહી રહ્યા છે. ભાજપના નેતાઓ કહે છે કે અમિત શાહે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આવનાર સમય અમિત શાહ માટે પડકારરૂપ હશે એ નિશ્ચિત છે.
NDAને 237 સીટ મળવાની ધારણા
ઈન્ડીયા ટૂડેએ કરેલા સરવેમાં નરેન્દ્ર મોદી અને ભાજપને લઈ અનેક બાબતો ઉજાગર થઈ છે. સરવે પ્રમાણે 46 ટકા લોકો મોદી સરકારને નોકરી આપવાના મામલે નિષ્ફળ ગણાવે છે. જ્યારે મોંઘવારી પર અંકૂશ મેળવવામાં મોદી સરકારને નિષ્ફળ ગણાવી નથી તો સફળ પણ ગણાવી નથી. ઉત્તર ભારતમાં 14 ટકા અને દક્ષિણ ભારતમાં 16 ટકા લોકો માને છે કે નોટબંધી એ મોદી સરકારની અસફળ કોશીશ હતી.
પ્રાદેશિક પાર્ટીઓ બનશે કીંગ મેકર
સરવેના તારણો પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ગઠબંધનને બહુમતિ મળવાની શક્યતા નથી. એનડીએને 237 સીટ તો યુપીએને 166 સીટ મળવાનાં સંકેત છે. જ્યારે અન્ય પાર્ટીઓને 140 સીટ મળવાના તારણે રજૂ કરવામાં આવ્યા છે. આ સરવે જોતાં પ્રાદેશિક પાર્ટીઓની ભૂમિકા મહત્વની બની જાય તેમ છે.