કેન્દ્રની મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા એક સમયે કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાનને કેરળના ગવર્નર નિમ્યા છે. આરિફ મોહમ્મદ ખાનને પ્રગતિશીલ મુસ્લિમ ચહેરો ગણવામાં આવે છે. તેમણે ત્રણ તલાક જેવા મુદ્દે પણ આગળ આવીને સકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
એક સમયે કોંગ્રેસી રહેલા આરિફ મોહમ્મદ ખાન લાંબા સમયથી સક્રિય રાજનીતિથી દૂર રહ્યાં હતાં. 1984માં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના કાયદાને સંસદ દ્વારા પલટી નાખવાના વિરોધમાં તેમણે કેન્દ્રીય મંત્રી પદેથી તત્કાળ રાજીનામું આપી દીધું હતું. શાહબાનો મામલે તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.
રવિવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ રાજ્યો માટે નવા રાજ્યપાલની નવ નિમણૂક અને બદલી કરી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂક કર્યા પછી આરિફ મોહમ્મદ ખાને એએનઆઇને જણાવ્યું હતું કે તેમને આ દ્વારા દેશસેલા કરવાની સારી તક મળી છે. અને મને ભારત જેવા દેશમાં જન્મ લેવા માટે ગર્વ છે.
આ ઉપરાંત કલરાજ મિશ્રને પણ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. વર્તમાનમાં તેઓ હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી રહ્યા હતા. ત્યાંથી તેમની બદલી રાજસ્થાન ખાતે કરવામાં આવી છે. જ્યારે બંડારુ દત્તાત્રેયને હવે હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભગત સિંહ કોશ્યારીની મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ તમિલિસાઇ સૌંદરરાજનને તેલંગાનાના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનની તરફથી ઉપરોક્ત તમામ જાણકારી જાહેર કરવામાં આવી છે. વધુમાં નવ નિયુક્ત રાજ્યપાલ જે દિવસથી તેમની ઓફિસમાં કાર્યભાર સંભાળશે તે દિવસથી જ તેમની નિયુક્તિ પ્રભાવી માનવામાં આવશે.