ગુજરાત કોંગ્રેસના બળતા ઘરને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી(EMC)ની જાહેરાત કરી છે. EMCમાં નારાજ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવડીયાને સાચવી લેવામાં આવ્યા છે. સાથો સાથે EMCમાં યુવા નેતા અલ્પેશ ઠાકોરને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં EMCનાં ચેરમેન તરીકે અર્જુન મોઢવડીયાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મૌલિન વૈષ્ણવને કન્વીરનો હોદ્દો આપવામાં આવ્યો છે. જ્યારે કમિટીમાં ડો.જીતુ પટેલ, અલ્પેશ ઠાકોર, બાલુભાઈ પટેલ, વિજય દવે, પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા, ચેતન રાવલ, યોગેશ રવાની, સંદીપ પટેલ અને સુરતના જવાહર ઉપાધ્યાયની નિમણૂંક કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના માળખાની જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસમાં નારાજગીનું વંટોળીયું ફૂંકાયું હતું અને અર્જુન મોઢવડીયાના નિવાસે સિનિયર અને યુવા નેતાઓએ મીટીંગ પણ કર હતી. ત્યાર બાદ સુરતમાં પણ તેના પડઘા પડ્યા હતા. સુરતમાં પણ જવાહર ઉપાધ્યાય દ્વારા સુરતના સંગઠન માળખાની જાહેરાત બાદ કોર કમિટીમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસનું તોફાન હવે ચાના કપ જેવું તોફાન રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીના એડહોક માળખામાં નારાજ નેતાઓનો સમાવેશ કરી અસંતોષ અને નારાજગી દુર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. હવે જોવાનું રહે છે કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉકળતા ચરુને ઠારવાની કોશીશ કેટલી કારગત નિવડે છે.