ઉંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલે આજે સત્તાવાર રીતે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ભાજપે તેમને ઉમળકાભેર આવકાર્યા હતા તો કોંગ્રેસે ગદ્દાર કરી ભારે હંગામો કર્યો હતો.
પાટણમાં ભાજપમાં જોડાવવા માટે પહોંચેલા આશા પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આશા પટેલે કહ્યું કે હું ભાજપના સામાન્ય કાર્યકરની માફક ભાજપમાં જોડાઇ રહી છું. ભાજપ જે કહેશે તે રીતે કામ કરીશ. આશા પટેલની સાથે તેમના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. તેઓ ઉંઝાથી પોતાના કાર્યકરોના 100 કારના કાફલા સાથે પાટણ પહોંચ્યા હતા.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. તેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી કાર્યકરોના કહેવાથી આશા પટેલે જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે નગરપાલિકાના 15 અપક્ષ કોર્પોરેટર, એક કોંગી કોર્પોરેટર અને તાલુકા પંચાયતના 10 અપક્ષ સભ્યો સહિત 1100 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.