કોંગ્રેસના હરિયાણાના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ મામલે ટ્વિટ કરીને તેમણે જાણકારી આપી હતી.અશોક તંવર પાર્ટીમાં ટિકિટની વહેંચણીથી નારાજ હતા.તેમણે કોંગ્રેસની નેતાગીરી પર હરિયાણામાં પાર્ટીની ટિકિટો વેચવામાં આવી હોવાના આરોપ પણ લગાવ્યા હતા.
તંવરે કહ્યુ હતુ કે, પાર્ટી કાર્યકરો સાથે લાંબી વિચારણા બાદ મેં પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ છે.મારા રાજીનામાના કારણ અંગે કોંગ્રેસ પાર્ટી અને લોકો સારી રીતે જાણે છે.
તંવરે આ પહેલા કહ્યુ હતુ કે, પાર્ટીમાં જુના લોકોને નજરઅંદાજ કરીને નવા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે.તંવરે એમ પણ કહ્યુ હતુ કે, સોહના વિધાનસભા ટિકિટ પાંચ કરોડ રુપિયામાં વેચવામાં આવી છે.
તંવરે કોંગ્રેસી ઉમેદવારોની યાદી જાહેર થઈ તે પહેલા બાગી તેવર દેખાડીને ગયા બુધવારે દિલ્હી ખાતે કોંગ્રેસના કાર્યાલય બહા રપ્રદર્શન પણ કર્યુ હતુ.તે વખતે તેમણે કહ્યુ હતુ કે, પાંચ વર્ષ પાર્ટી માટે મહેનત કરી હતી પણ લાગે છે કે, હરિયાણામાં કોંગ્રેસની નેતાગીરી ખતમ થઈ ચુકી છે.જે પહેલા કોંગ્રેસની ટીકા કરતા હતા અને તાજેતરમાં જ પાર્ટીમાં સામેલ થયા હતા તેમને ટિકિટ આપવામાં આવી રહી છે.
તેમણે કહ્યુ હતુ કે, ભાજપની સરકાર હરિયાણામાં બની નહોતી બલકે બનાવવામાં આવી હતી.તેમણે કહ્યુ હતુ કે, આજે ભાજપના 14 ધારાસભ્યો એવા છે જે કોગ્રેસમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.સાત સાંસદો એવા છે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસનુ બેકગ્રાઉન્ડ ધરાવતા હતા.ભાજપે મને 6 વખત પાર્ટી જોઈન કરવા ઓફર કરી છે.જોકે આ ઓફર મેં સ્વીકારી નથી.